વિચિત્ર અકસ્માત:કોડીનાર નેશનલ હાઈવે બાયપાસ રોડ પર વ્હેલી સવારે કન્ટેનર ટ્રક ફસાઈ; કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

આજે વ્હેલી સવારે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર કોડીનાર બાયપાસના રસ્તામાં શિંગોડા નદીના પુલ ઉપર અકસ્માતએ વિશાળ લાંબો કન્ટેનર ટ્રક આડો થઈને ફસાઈ ગયો હતો. જેના પગલે હાઈવે પરનો ટ્રાફીક કલાકો સુધી ખોરવાઈ ગયેલ હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની ન થઈ હોવાથી લોકો-ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાદમાં તંત્રએ દોડી આવીને કન્ટેનર ટ્રકને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

સોમનાથ - ભાવનગર નેશનલ હાઈવે ઉપર આવતા કોડીનાર બાયપાસ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જે અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે વ્હેલી સવારના ચારેક વાગ્યા આસપાસ વેરાવળ સોમનાથ તરફથી એક લાંબો કન્ટેનર ટ્રક અમરેલીના પીપાવાવ પોર્ટ તરફ જઈ રહ્યો હતો. ત્યારે કોડીનાર બાયપાસ નેશનલ હાઈવે ઉપર દુદાના ગામના પાટીયા નજીક શીંગોડા નદીના જર્જરીત પુલની બાજુમાં નીચે બનાવેલા હંગામી રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા એક કન્ટેનર ટ્રકના ચાલકે અચાનક જ કાબુ ગુમાવતા કન્ટેનર ટ્રકનો આગળનો કેબીનનો ભાગ યુ ટર્ન લઈને વળી ગયેલ જયારે પાછળનો કન્ટેનરનો ભાગ આડો થઈને રસ્તાની વચ્ચે આવી ગયો હતો.

જેના પગલે વેરાવળ(સોમનાથ) કોડીનાર અને ઉનાને જોડતા આ બાયપાસ ઉપરનો વાહન વ્યવહાર ખોરવાઈ જતા કન્ટેનર ટ્રકોની લાઈનો બાયપાસ રોડ ઉપર લાગી ગઈ હતી. અકસ્માતના પગલે રસ્તા ઉપર કન્ટેનર ફસાયેલુ હોવાથી કલાકો સુધી બાયપાસનો રસ્તો વાહનો માટે બંધ રહ્યો હતો. જેના લીધે મોટા વાહનોને ફરજીયાત કોડીનાર શહેરમાંથી પસાર થઈ નીકળવું પડી રહ્યુ હતુ. અકસ્માતની જાણ થતાં તંત્રની ટીમ દોડી આવીને ફસાયેલા કન્ટેનર ટ્રકને હટાવવા કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થયેલ ન હતી. આ અકસ્માત અંગે પ્રત્યક્ષદર્શીઓના મતે નદીમાંથી બનાવાયેલ વૈકલ્પિક રસ્તા પરથી ઉપર ચડતી વેળા ઉચાણ રસ્તા પર કન્ટેનર ટ્રક અચાનક જ રિવર્સ થવા લાગેલ ત્યારે સમયસર બ્રેક ન લાગવાના કારણે બેકાબુ બનતા અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...