• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Commencement Of The Kartiki Purnima Fair; Keeping In Mind The Morbi Incident, Special Arrangements Were Made To Give Special Priority To Security

સોમનાથના સાંનિધ્યે મેળો ખૂલ્લો મૂકાયો:કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ; મોરબીની ઘટનાને ધ્યાને લઇ સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપી ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન સોમનાથના સાંનિધ્યે દર વર્ષે યોજાતા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું છેલ્લા બે વર્ષથી કોવિડ મહામારીને કારણે આયોજન થઈ શક્યું નહોતુ. દરમિયાન આ વર્ષે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, તેમજ પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મેળા દરમિયાન મંદિરના સમયમાં ખાસ ફેરફાર કરાયો
કાર્તિકી પૂર્ણિમાના મેળાના પાંચ દિવસ દરમ્યાન જગવિખ્યાત સોમનાથ મંદિર રાત્રીના 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. આ વર્ષે પૂનમની તિથિ તા. 7 અને 8 નવેમ્બર બન્ને દિવસે હોવાથી સોમનાથ મંદિર આ બંન્ને દિવસ રાત્રીના 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે તેમ સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.

મેળામાં સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ કરાઈ
તાજેતરની મોરબીની ઘટનાને લઈ સતર્ક થયેલા તંત્રએ મેળામાં સુરક્ષાને લઈ ખાસ તૈયારીઓ કરી છે. જેમાં મેળાના ગ્રાઉન્ડમાં સીસીટીવી સીસ્ટમ લગાવવામાં આવી છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તથા ફાયર ટેન્ડર ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેથી માઇક દ્વારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે. મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ વૉચટાવર, પોલીસ કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઇ છે. ઈમરજન્સીના કેસમાં મેળાની ફરતે વ્હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્તો તૈયાર કરાયો છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ હોવાનું ટ્રસ્ટના વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.

આમ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આવતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ,જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...