પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા.22થી દેવી ભાગવત કથાનો પ્રારંભ થયો છે. સોમનાથ મંદિરના સંકીર્તન ભવન ખાતે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, કથાના મુખ્ય યજમાન દાસ ભાઈ ગજેરા સહિત અન્ય પોથી યજમાનો દ્વારા વિધિવત રીતે દેવી ભાગવત ગ્રંથનું પૂજન કરાયું હતું.ઢોલ શરણાઈના સંગીત અને જય સોમનાથ, હર હર મહાદેવ, માતા પાર્વતી કી જય ના ઉચ્ચાર સાથે ભવ્ય શોભાયાત્રા મંદિર પરિસરના વાઘેશ્વરી મંદિર સુધી નીકળી હતી.
સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અધિકારીઓ, પૂજારીગણ, સફાઈ કર્મચારીઓ સહિતનો તમામ સ્ટાફ આ ભવ્ય પોથીયાત્રામાં જોડાયો હતો. કથાના પ્રારંભ બાદ વ્યાસાસને બિરાજમાન પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડો. કુણાલભાઈ જોશીએ શાસ્ત્ર પરિચય આપતાં વર્ણવ્યું હતું કે શિવ શક્તિ આપણા હૃદયમાં બિરાજે છે. શરીર એ શિવાલય છે દેવરૂપી મંદિર છે. દેહરૂપી મંદિરનું ગર્ભગૃહ એ હૃદય છે. મસ્તક શીખર છે, શિખાએ ધ્વજ છે. પ્રત્યેક આત્મામાં શિવ-શક્તિ સ્વરૂપ બિરાજે છે.સોમનાથ તીર્થમાં માતા શક્તિનું સ્થાનક આવેલ છે.
51 શક્તિપીઠ પૈકી ચંદ્રભાગા શક્તિપીઠ સોમનાથમાં આવેલ હોય જેનાથી અહી માતા શક્તિની આરાધનાનો વિશેષ મહાત્મ્ય છે. જેથી 22 થી 30 જાન્યુઆરી સુધી શ્રીમદ દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયું છે.આગામી 30મી જાન્યુઆરી સુધી આ દેવી ભાગવત કથા ચાલનાર છે જેનો સોમનાથ તીર્થમાં આવનાર ભાવિકો તેમજ સ્થાનિય ધર્મ અનુરાગી પ્રજા લાભ લઇ શકશે.
બપોરે 2:30 વાગ્યેથી 6:30 વાગ્યાના કથા સમયમાં ભકતો જ્ઞાન મેળવી શકશે. સાથેજ દેશ-વિદેશમાં વસતા ભાવિકો આ કથાનો લાભ મેળવી શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ somnath.org તથા યુટ્યુબ ચેનલ Somnath temple official પર કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે જેનો લાભ લેવા ભકતોને અનુરોધ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.