• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • BJP's Municipal Servant Uday Shah Filed Independent Candidature For Somnath Seat, As Soon As He Filled The Form, Resentment Against The Candidate Surfaced In BJP.

એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ:સોમનાથ બેઠક પર ભાજપના નગરસેવક ઉદય શાહે અપક્ષ ઉમેદવારી નોંધાવી, ફોર્મ ભરતા જ ભાજપમાં ઉમેદવાર સામેનો રોષ સામે આવ્યો

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

જિલ્લાની સૌથી હોટ સીટ ગણાતી એવી સોમનાથ બેઠક ઉપર ભાજપ સામે દિન પ્રતિદિન મુશ્કેલી વધતી હોય તેવો તાલ સર્જાયો છે. આ બેઠક ઉપર ભાજપનો સત્તાવાર ઉમેદવાર ફોર્મ ભરે તે પહેલા જ પાલીકાના પુર્વ ઉપપ્રમુખ એવા ભાજપના નગરસેવક ઉદયભાઈ શાહએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી દેતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ બેઠક ઉપર ભાજપે પુર્વ મંત્રીની પણ દાવેદારી કાઢી નાંખતા તેઓ નારાજ હોવાથી ડેમેજ કંટ્રોલ કરી રહ્યાં હતાં, એવા સમયે જ ભાજપના નગરસેવકએ ઉમેદવારી નોંધાવી દેતા અનેકવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પાલીકાના પુર્વ ઉપપ્રમુખ એવા ભાજપના નગરસેવક ઉદયભાઈ શાહએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
પાલીકાના પુર્વ ઉપપ્રમુખ એવા ભાજપના નગરસેવક ઉદયભાઈ શાહએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

નગરપાલિકાની ચૂંટણી સમયે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
ભાજપની વિચારધારા વાળા અને વર્ષોથી સમર્થક એવા વણિક સમાજના ઉદ્યોગપતિ ઉદય શાહ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પારિવારિક સંબંધી છે. દરમિયાન ગત વેરાવળ સોમનાથ નગરપાલિકાની ચૂંટણી સમયે ટિકિટ ફાળવણીમાં વાંધો પડતા ઉદય શાહે વોર્ડ નં.1 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી બમ્પર જીત મેળવવાની સાથે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતુ. ત્યારપછી થોડા સમય પૂર્વે જ ઉદય ભાજપમાં જોડાઈને પક્ષના કાર્યક્રમોમાં હાજર જોવા મળતા હતા. દરમિયાન હાલ ચૂંટણી જાહેર થતા સોમનાથ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારો જાહેર કર્યા છે.

નગરસેવકની અપક્ષ ઉમેદવારી પરત ખેંચાવવા કવાયત શરૂ થઈ હોવાની ચર્ચા
જેમાં સોમનાથ બેઠક ઉપર લડવા માટે પૂર્વ મંત્રી જશા બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા, પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઉદય શાહ સહિત 35 ભાજપના આગેવાન કાર્યકરોએ ટિકિટ માગી હતી. જેમાંથી મોવડી મંડળે દિગગજ નેતાઓને કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ માનસીંહ પરમારને ટિકિટ આપી છે. જેને લઇ ભાજપની અંદર સ્થાનિક કક્ષાએ નારાજગી પ્રસરી હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. જે મહદઅંશે સાચી ઠરી રહી હોય તેમ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ એવા નગરસેવક ઉદય શાહએ ગઈકાલે અપક્ષ તરીકે સોમનાથ બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભરતા રાજકીય માહોલમાં ગરમાવો આવવાની સાથે ભાજપમાં હિલચાલ વધી ગઈ છે. હાલ સોમનાથ બેઠક ઉપર ભાજપની સ્થિતિ એક સાંધે અને તેર ટુટે જેવી થઈ રહી હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે ભાજપના નગરસેવકની અપક્ષ ઉમેદવારી અંગે આગામી દિવસોમાં ભાજપ પક્ષ કેવું ડેમજ કંટ્રોલ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

પૂર્વ મંત્રી જશા બારડનું પણ પતુ કપાયું
અત્રે અત્રે નોંધનીય છે કે, સોમનાથ બેઠક ઉપર પૂર્વ મંત્રી જશા બારડની દાવેદારી નકારી કાઢ્યા બાદ તેમના સમર્થકોમાં પ્રસરેલી નારાજગી પાર્ટીને ચૂંટણીમાં નુકસાન ન કરે તેના માટે ભાજપ સંગઠન દ્વારા ડેમેજ કંટ્રોલ હાથ ધરી પૂર્વ મંત્રીના પુત્ર દિલીપસિંહ બારડની જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરી હતી. એવા જ સમયે ભાજપના નગરસેવકની અપક્ષ ઉમેદવારીએ અનેક ચર્ચાઓને વેગ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...