આજે જાહેર થયેલા પરિણામોમાં ગીર સોમનાથ જીલ્લાની ચાર પૈકી ત્રણ બેઠકો ઉપર કમળ ખીલ્યું છે. જયારે ભાજપ માટે પ્રતિષ્ઠા સમાન સોમનાથ બેઠક જાળવવામાં કોંગ્રેસ સફળ થયેલ છે. આમ જીલ્લામાં 2017ના પરિણામોમાં કોંગ્રેસના ક્લીન સ્વીપનો ભાજપએ બદલો લઈ ત્રણ બેઠકો કબ્જે કરી છે. જયારે કોંગ્રેસ એક બેઠક જાળવવામાં સફળ થયેલ છે. જીલ્લાની સોમનાથ બેઠક ઉપર રસાકસી ભર્યો માહોલ રહેલ જ્યારે તાલાલા, કોડીનાર અને ઉના બેઠક ઉપર મતગણતરીના પ્રારંભથી જ ભાજપ આગળ જોવા મળતું હતું.
સોમનાથ વિધાનસભા બેઠક
જગ વિખ્યાત સોમનાથ મહાદેવના નામ સાથે જોડાયેલ સોમનાથ બેઠક ઉપર આ વખતે ભાજપ, કોગ્રેસ, આપ અને અપક્ષો વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો હતો. જેમાં આજે મતગણતરીમાં પણ શરૂઆતના રાઉન્ડમાં આપ પાર્ટી આગળ જોવા મળેલ બાદમાં ભાજપે લીડ મેળવવાનું શરૂ કરેલ જે થોડા રાઉન્ડો સુધી જળવાયા બાદ કોંગ્રેસ આગળ નીકળેલ હતી. ગણતરીના અંતિમ પાંચ રાઉન્ડમાં ભાજપ-કોંગ્રેસ ક્રમશ: આગળ પાછળ રહ્યા બાદ અંતિમ રાઉન્ડમાં કોગ્રેસના ઉમેદવાર વિમલભાઇ ચુડાસમા 1301 મતની નજીવી લીડ સાથે વિજય થયા હતા. આ બેઠક ઉપર એક જ પક્ષમાંથી લડતા ઉમેદવાર સતત બીજી વખત વિજય મેળવ્યાનો રેક્રોડ વિમલભાઇ ચુડાસમાએ પોતાના નામે કર્યો છે.
તાલાલા વિધાનસબા બેઠક
તાલાલા ગીર બેઠક ઉપર ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો, જેનો સીધો ફાયદો ભાજપને મળેલ હોય તેવું આજના પરિણામોમાં જોવા મળેલ છે. આ બેઠક ઉપર કોગ્રેસની કારમી હાર થતા ત્રીજા નંબરે આવી છે, તો આપ પાર્ટીના ઉમેદવારે નોંધ પાત્ર મતો મેળવી બીજા નંબર ઉપર આવેલ છે. આ બેઠક ઉપર ચૂંટણીના થોડા દિવસો પૂર્વે જ કોંગ્રેસના ધારાસભ્ય પક્ષ પલ્ટો કરી ભાજપમાં પ્રવેશ કરી ઉમેદવાર બન્યા હતા અને આ બેઠક ઉપર મતગણતરીમાં ભાજપ શરૂઆતથી આગળ જોવા મળેલ જે અંતિમ રાઉન્ડમાં પણ 20 હજારથી વધુની લીડ સાથે વિજય પ્રાપ્ત કરવામાં સફળ થયેલ છે.
કોડીનાર વિધાનસભા બેઠક
કોડીનાર અનામત બેઠક ઉપર ભાજપ અને કોગ્રેસના રણનીતીકારોનો મુકાબલો શરૂઆતના દિવસોમાં હતો. જેમાં કોગ્રેસે કોડીનારના વર્તમાન ધારાસભ્ય મોહનભાઇ વાળાની ટિકિટ કાપી નવા ઉમેદવારને ટિકિટ ફાળવતા સંગઠનમાં ભડકો થયેલ અને કોગ્રેસના રણનીતીકાર સહીતના મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા હતા. ચૂંટણી પ્રચાર તથા મતદાનના દિવસે જમીની સ્તર પર કોંગ્રેસના કોઇપણ નેતા કે કાર્યક્રરો જોવા મળતા ન હતા. જેનો સીધો ફાયદો ભાજપને થતા આ બેઠક જીતવામાં સરળતા રહી હોવાનું આજના પરીણામમાં જોવા મળેલ હતી. આ બેઠક ભાજપે 18 હજાર જેવી લીડથી વિજય બનેલ છે.
ઉના વિધાનસભા બેઠક
કોગ્રેસના વર્ચસ્વ વાળી અને ભુતકાળમાં એક જ વખત ભાજપ વિજય થયેલ તેવી ઉના બેઠક ઉપર છ વખત ધારાસભ્ય રહી ચુકેલા કોંગ્રેસના સીનીયર નેતા પુંજાભાઇ વંશની આજના પરીણામમાં કારમી હાર થયેલ છે. આ બેઠક ભાજપ પંદર વર્ષ બાદ ફરી જીતવામાં સફળ થયેલ છે. આ બેઠકની મતગણતરીમાં શરૂઆતથી જ ભાજપે બઢત બનાવેલ જે અંતિમ રાઉન્ડ સુધી જાળવી રાખતા 43 હજાર જેવી જંગી લીડથી ભાજપના ઉમેદવાર કે. સી. રાઠોડનો વિજય થયેલ છે. આ બેઠકની લીડ જીલ્લાની ચારેય બેઠકો ઉપરથી સૌથી વધુ લીડ પરીણામમાં જોવા મળી છે.
ગીર સોમનાથ જીલ્લાનું કારકીય વિષલેક્ષણ
ગીર સોમનાથ જીલ્લાના આવેલા ચોકાવનારા પરીણામોમાં ભાજપે સ્વીપ્ટ કરીને ચાર પૈકી ત્રણ બેઠકો કબ્જે કરીને કોગ્રેસની કમર તોડી નાખી છે. જીલ્લામાં ચૂંટણીમાં તાલાલા અને કોડીનાર વિસ્તારમાં કોંગ્રેસનું સંગઠન સક્રીય કામ કરતું હોય તેવું કયાંય જોવા મળતું ન હતું. જેના પરીણામે આ બન્ને બેઠકો તો ગુમાવવી પડી છે. જયારે ઉના બેઠક ઉપર છ વખત વિજય મેળવનાર પુંજાભાઇ વંશને એન્ટીઇનકમ્બન્સી સાથે ભાજપના આક્રમક પ્રચારને લીધે હારનો સામનો કરવો પડયો હોવાનું રાજકીય વિષલેક્ષકો જણાવી રહ્યા છે. જયારે ભાજપે પ્રતિષ્ઠાભરી સોમનાથ બેઠક જીતવા માટે આક્રમક પ્રચારની સાથે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને હિન્દુ ફાયર બ્રાન્ડ નેતા યોગી આંદીત્યનાથએ કમાન હાથમાં લીધી હોય તેમ સોમનાથ સાનિધ્યે સભા યોજી વિજય અપાવવા માટે અપીલ કરી હતી. આમ, સોમનાથ બેઠક જીતવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવા છતાં નજીવા અંતરથી હારનો સામનો કરવો પડયો છે. જયારે શાંતીપૂર્વક રીતે કોંગ્રેસે રણનીતિ પૂર્વક ચૂંટણી જંગમાં આગળ વધીને બેઠક જાળવી રાખવામાં સફળતા મેળવી છે.
જીત મેળવનાર ઉમેદવારોનું વિજય સરઘસ
આજના જાહેર થયેલા પરીણામો બાદ વેરાવળમાં સોનેચા કોલેજના મતગણતરી કેન્દ્ર બહાર વિજેતા ઉમેદવારોના મોટી સંખ્યામાં ઉમટેલ કાર્યકર્તાઓ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવેલ હતો. આજે વિજય થયેલા કોગ્રેસના વિમલભાઇ ચુડાસમા તેમજ તાલાલાના ભગવાનભાઇ બારડ, કોડીનારના ડો.પ્રદ્મમન વાજા, ઉનાના કે.સી.રાઠોડએ પોત-પોતાના વિસ્તારમાં ડીજેના તાલ સાથે વિજય સરઘસ કાઢેલ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.