નવા સમીકરણો સર્જાવાની શક્યતા!:ગીર સોમનાથની ચારેય બેઠકો પર BJPએ ઉમેદવારો જાહેર કર્યા; નવોદિત, યુવા ચહેરા સાથે જુના જોગીને મેદાને ઉતાર્યા

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠકના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં બે દિગ્ગજ નેતાઓની દાવેદારી અને સ્થાનીક ઉમેદવારને ટિકિટ આપવા જેવી માંગણીઓને નજરઅંદાજ કરીને યુવા એવા જિલ્લા પ્રમુખ તથા પક્ષ પલટો કરનાર ધારાસભ્યને તક આપી છે. જેમાં જાહેર કરાયેલા ઉમેદવારોમાં જિલ્લાની ચાર બેઠકોમાં જોઈએ તો સોમનાથ બેઠક પર જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, તાલાલા બેઠક પર ભગવાન બારડ, કોડીનાર બેઠક પર ડો.પ્રદ્યુમન વાજા, ઉના બેઠક પર કે.સી.રાઠોડને જાહેર કર્યા છે. જેને લઈ આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારમાં નવા સમીકરણો સર્જાવાની શક્યતાઓ વધી હોય તે જોવું રસપ્રદ રહેશે, તેવું જાણકારો જણાવી રહ્યા છે.

સોમનાથ બેઠક પર યુવા ચહેરાઓ આમને-સામને
સોમનાથ બેઠક પર ભાજપના મોવડી મંડળએ ઉમેદવારીનો તાજ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારના શીરે મુક્યો છે. તેઓ યુવા શિક્ષિત ચહેરો હોવાની સાથે કારડીયા રાજપૂત સમાજમાંથી આવે છે. તેમના કાકા ગોવિંદ પરમાર તાલાલાના પુર્વ ધારાસભ્ય હોવાની સાથે વેરાવળ યાર્ડનું શાસન પણ તેમના માર્ગદર્શન હેઠળ ચાલે છે. માનસિંહ પરમાર બી.ઈ.કેમીકલ્સની ડીગ્રી ધરાવે છે. માનસિંહ પરમારે ભૂતકાળમાં યુવા ભાજપમાં પ્રદેશથી લઈ સ્થાનીક, જિલ્લા ભાજપ સંગઠનમાં, એબીવીપીમાં જુદા-જુદા સ્તરે કામગીરી કરી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પ્રજાના પ્રતિનિધિ પણ હતા. સોમનાથ બેઠક પર ભાજપમાંથી માનસિંહ પરમાર સામે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમા જ લડશે. ત્યારે આ બેઠક પર બે યુવા ચહેરાઓની લડાઈ જામશે.

તાલાલા બેઠક પર ભાજપનો માસ્ટર સ્ટ્રોક
તાલાલા બેઠક પર પક્ષ પલટો કરી ભાજપમાં પ્રવેશ કરનાર ભગવાન બારડને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યાની સાથે 2007 અને 2017 બે વખત તાલાલા બેઠક પરથી ચૂંટણી લડીને વિજય પણ થયા છે. જ્યારે એક વખત 2016ની પેટા ચૂંટણીમાં તેઓ હાર્યા હતા. તેમના પરિવારનું તાલાલા બેઠક વિસ્તાર અને આહિર સમાજ પર સારૂ એવું પ્રભુત્વ છે. જો કે તેમના ભાજપમાં આગમનથી સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કારણ કે સ્થાનીક નેતાને ટિકિટ આપવાની મુહિમ ઘણા સમયથી તાલાલા વિસ્તારના ભાજપના નેતાઓ કરી રહ્યા હતા. તાલાલામાં કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે, તેના પરથી બેઠક માટે કેવો જંગ જામશે તે ખબર પડશે. હાલ તો તાલાલા બેઠક પર ભાજપાએ માસ્ટર સ્ટ્રોક માર્યો હોય તેવું જણાઈ રહ્યુ છે.

કોડીનાર બેઠક માટે નવા ચહેરાની પસંદગી
કોડીનાર અનામત બેઠક પર ભાજપે ડો.પ્રદ્યુમન વાજા નામના નવોદિત ચહેરાને ઉતારી સરપ્રાઈઝ આપી છે. ડો.પ્રદ્યુમન મૂળ કોડીનાર તાલુકાના સરખડી ગામના રહેવાસી હોવાની સાથે અમદાવાદ પણ રહે છે. તેઓ પ્રદેશ ભાજપમાં સારા હોદા ઉપર છે. તેઓ વ્યવસાયએ તબીબ હોવાની સાથે સર્વ સમાજમાં સ્વચ્છ અને સરળ છબી ધરાવતા વ્યક્તિ છે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસ પણ વર્તમાન ધારાસભ્ય મોહન વાળાને રિપીટ કરશે તેવું જણાઈ રહ્યુ છે. ત્યારે આ બેઠક માટે બંન્ને પક્ષે રસાકસી રહેવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે.

ઉના બેઠક પર જુના જોગીની પસંદગી
કોળી સમાજના પ્રભુત્વ વાળી ઉના બેઠક પર ભાજપએ જુના જોગી એવા કે.સી.રાઠોડને મેદાનમાં ઉતાર્યા છે. કે.સી.રાઠોડનું ઉના નગરપાલીકા તથા તાલુકા વિસ્તારમાં સારી પકડ ધરાવે છે. આ બેઠક આઝાદી બાદ પ્રથમ વખત ભાજપ 2007માં વિજય થયું હતું. 2007ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી કે.સી.રાઠોડે ઉના બેઠક પરથી ચૂંટણી લડીને પ્રથમ વિજય થયા હતા, બાદમાં 2012ની ચૂંટણીમાં હારી ગયા હતા. ત્યારબાદ ફરી આ વખતે ભાજપે ફરી કે.સી.રાઠોડને ટિકિટ આપેલ છે. ત્યારે આ બેઠક પર તેમનો સામનો કોંગ્રેસના સીનીયર ધારાસભ્ય પૂંજાભાઈ વંશ સામે થશે જે રસાકસી ભર્યો રહેશે.

અન્ય સમાચારો પણ છે...