મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કાયદા રાજ્યમંત્રી રાજેન્દ્રભાઇ ત્રીવેદીની ઉપસ્થિતિમાં રાજ્યમાં રૂ.22 કરોડના ખર્ચે 8 ચેરીટી ભવનનું ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી કરાયુ હતું. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લા ચેરીટી ભવનનું વર્ચ્યુઅલી ભુમિપુજન કરાયું હતું. ઇણાજ રોડ ખાતે રૂ.1.85 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે નવી ચેરીટી કચેરીનું નિર્માણ થશે.
આ તકે સીએમએ જણાવ્યું હતુ કે, અદ્યતન સુવિધાયુક્ત ચેરીટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટોને લગત કામો વધુ સરળ અને ઝડપી થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમજ આ રેકર્ડનું ડિજિટેલાઇઝેશન થવાથી લોકોને ઘર બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી શકશે.
રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરીટી તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરી છે. કાર્યક્રમનું સંચાલન પ્રો.ડો.વાળાએ, આભારવિધિ મદદનીશ ચેરીટી કમિશ્નર સી.ડી.ચૈાહાણે કરી હતી. આ તકે જિ.પં. પ્રમુખ રામીબેન વાજા, પ્રદશે મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, પાલિકા પ્રમુખ પીયુશભાઇ ફોફંડી, ઉપપ્રમુખ કપીલભાઇ મહેતા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ભાજપ શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, જીતુભાઇ કુહાડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ થશે ?
ગીર-સોમનાથમાં નિર્માણ પામનાર ચેરીટી કચેરીમાં અદ્યતન સુવિધાઓ સાથે જજ ઓફીસ, પુછપરછ રુમ, કોર્ટ રૂમ, પ્રતિક્ષા ખંડ, વોટર રુમ, ઇલેકટ્રોનીક રુમ, એડવોકેટ રૂમ, સુપ્રીટેંડન્ટ રૂમ, ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.