સિંહોની લટાર CCTVમાં કેદ:તાલાલામાં ગાય ઉપર હુમલો કર્યો; રહીશોએ હાંકલા પડકારા કરતા ઊભી પૂંછડીએ નાસ્યા

ગીર સોમનાથ (વેરાવળ)19 દિવસ પહેલા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં બે દિવસ પૂર્વે મોડીરાત્રિના સમયે સિંહ પરિવાર ખોરાકની શોધમાં રસ્તા ઉપર આંટાફેરા કરતો જોવા મળ્યા હતો. સિંહ પરિવારના ખોરાકની શોધમાં લટાર મારતા દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. તો સિંહ પરિવારે ખોરાકની શોધમાં એક ગૌવંશ ઉપર હુમલો પણ કર્યો એ સમયે તે વિસ્તારના લોકો જાગી ગયા હોવાથી સિંહ શિકાર કરવામાં નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ સિંહ પરિવાર શહેરી વિસ્તારમાંથી વાડી વિસ્તાર તરફ નીકળી ગયો હતો. આ સમાચાર વાયુવેગે શહેર અને ગીર પંથકમાં પ્રસરી જતા લોકોમાં ભયની લાગણી પ્રસરી હતી.

શાળાની શેરીમાં આંટાફેરા કરી રહેલી ગાય ઉપર હુમલો કર્યો
ગીર જંગલ બોર્ડર ઉપર આવેલા તાલાલા શહેર સહિત ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલના રાજા એવા સિંહ છાશવારે ખોરાક અને પાણીની શોધમાં ચડી આવી આંટાફેરા કરતા જોવા મળે છે. આવી જ રીતે બે દિવસ પૂર્વે મધ્યરાત્રીના સમયે એક સિંહ, બે સિંહણ તથા બે બાળ સિંહો સહિતનો સિંહ પરિવાર ખોરાકની શોધમાં તાલાલા શહેરના ગલીયાવડ રોડ ઉપર આવેલા સત્સંગ મંદિર પાસે જોવા મળ્યો હતો. બાદમાં લટાર મારતો સિંહ પરિવાર નજીકમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની શેરીમાં આંટાફેરા કરી રહેલી ત્યાં એક ગાય ઉપર હુમલો કર્યો હતો. જો કે ગૌમાતાના હોકારાથી તે વિસ્તારમાં રહેલા રહીશો જાગી ગયા હતા. બાદમાં બહાર નિકળીને હાંકલા પડકારા કરતા સિંહ પરીવાર શિકાર કર્યા વગર કેનાલ પાસે સીસી રોડ થઈને જગદીશ પાર્ક વિસ્તાર તરફ નીકળી ગયો હતો.

આંટાફેરાથી શેરીના શ્વાનો અને ગાયો દોડધામ કરતા જોવા મળ્યો
ત્યાં જૂની પોલીસ લાઈન પાસે થઈ ઉમીયાનગરનાં રહેણાંક વિસ્તારોમાં ચક્કર લગાવી ઉમીયાનગર તરફ આવેલી વાડી વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. આમ બે એક કલાક સુધી સિંહ પરિવાર શહેરના રહેણાંક વિસ્તારોની શેરીઓમાં આંટાફેરા કરતો હતો. આ સમગ્ર ઘટના તે વિસ્તારમાં એક મકાન ઉપર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ સામે આવી છે. સીસીટીવીમાં જોવા મળતા મુજબ સિંહ પરીવારના આંટાફેરાથી શેરીના શ્વાનો અને ગાયો દોડધામ કરતા જોવા મળે છે. શહેરમાં સિંહો આંટાફેરા કર્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ભયની લાગણી પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...