વેરાવળ શહેરમાં ડારી નજીક આવેલા ટોલબુથના ટોલટેકસ બાબતના વિવાદમાં સામાજીક કાર્યકર સાથે કવરેજ કરવા ગયેલ પત્રકારને એનએચએઆઇના અઘિકારીએ ઝાપટ મારી જ્ઞાતિ પ્રત્યે હડઘુત કર્યા હોવા અંગેની ફરીયાદ પત્રકારે નોંઘાવી હતી. જેમાં પોલીસે એટ્રોસીટી એક્ટની કલમ નીચે ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.
આ બનાવમાં અગાઉ હાઇવે ઓથો.ના અધિકારીએ ટ્રાન્સપોર્ટર તથા ત્રણ પત્રકારો સહિત દસ શખ્સો સામે ફરીયાદ નોંઘાવ્યા બાદ સામાપક્ષે પણ ફરીયાદ નોંધાઇ છે. વેરાવળમાં ડારી ટોલબુથ ઉપર ટોલ ટેકસના ચાલતા વિવાદમાં ત્રણ દિવસ પહેલા ટ્રાન્સપોર્ટર જગમાલભાઇ વાળા સહિતનાએ નેશનલ હાઇવે ઓથોરીટીની કચેરીમાં જઇ અઘિકારીને માર માર્યા અંગે ત્રણ પત્રકારો સહિત દસ શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
જે મામલે પત્રકાર રામજીભાઇ ચાવડાએ હાઇવે ઓથો.ના અઘિકારી રાજીવ મલ્હોત્રા સામે ફરીયાદ નોંઘાવી છે. જેમાં જણાવેલ કે, સામાજીક કાર્યકર જગમાલભાઇ વાળાએ હાઇવે ઓથો.ની કચેરી ખાતે રજુઆત કરવા જતા હોવાથી પત્રકાર રામજીભાઇને બોલાવેલ હતા. જેથી રામજીભાઇ ત્યાં જઇ કવરેજ કરી રહેલ તથા પોતાની રજુઆત કરવા જતા અધિકારીએ બિભત્સ શબ્દો બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઝાપટો મારી હતી.
આ અંગે રામજીભાઇએ ફરીયાદ કરતા પોલીસે અધિકારી સામે એટ્રોસીટી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમ્યાન આ વિવાદમાં અગાઉ અધિકારીએ નોંધાવેલ ફરીયાદમાં ત્રણ પત્રકારોના નામ હોઇ જે કાઢી નાંખવા અંગે એસપીને પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવી માંગ કરતા અધિકારીઓએ તટસ્થ તપાસ કરવાની ખાત્રી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.