સ્થાનિકોને હાલાકી:કોડીનારના માલગામ-વેળવા ગામ વચ્ચે બનેલા ડામર રોડમાં ખાડા પડી જતા ગ્રામજનોમાં આક્રોશ પ્રસર્યો

ગીર સોમનાથ (વેરાવળ)3 મહિનો પહેલા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માલગામ-વેળવા ગામોને જોડતો મુખ્ય રસ્તાને હજુ દિવાળી પહેલાં જ નવા ડામરથી મઢી બનાવવામાં આવ્યો હતો. જેને હજુ ગણતરીના દિવસો થયા છે, ત્યાં આ રસ્તા ઉપર મોટા-મોટા ગાબડાં પડી જતાં ગ્રામજનો અને વાહનચાલકોમાં રોષની લાગણી જન્મી છે. આ રોડને પેવરથી મઢનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી ફરીથી નવો બનાવવાની માંગણી ગ્રામજનોએ કરી છે. આ રસ્તાના નબળા કામ પાછળ બન્ને ગામના લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.

ગણતરીના દિવસોમાં રસ્તામાં ગાબડાં પડ્યા
જિલ્લાના ડોળાસા નજીકના વેળવાથી માલગામ સુધીનું અંતર માત્ર અડધો કિ.મી. જેવું થાય છે. આ રસ્તા ઉપર બન્ને ઉપરાંત આસપાસના ગામોના લોકોની સતત અવરજવર રહે છે. દરમિયાન ગત ચોમાસામાં પડેલા ભારે વરસાદમાં આ બન્ને ગામોને જોડતો મહત્વનો રસ્તો પુરેપુરો ધોવાઈ ગયો હતો. જેથી વાહનચાલકોને હાલાકી પડી રહી હતી. જેને દુર કરવા માટે રજૂઆતો થઈ હતી, ત્યારે ચોમાસુ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા આ બિસ્માર બની ગયેલા રસ્તાને નવેસરથી મઢવા માટે દિવાળી પહેલાં જ મંજૂરી આપી હતી અને રસ્તાના નવીનીકરણનું કામ પૂર્ણ થયું હતું. જેને ગણતરીના દિવસો વીત્યાં હતા. ત્યાં આ રસ્તા પર મોટેમોટા ગાબડાં પડવા લાગ્યા હતા.

વાહનચાલકો અને લોકોમાં ભારે રોષ
તે સમયે આ અંગે ગ્રામજનો દ્વારા જવાબદાર અધિકારીઓને રજૂઆત કરતા ફરી નવો રોડ બનાવી દેવાશે તેવું જણાવ્યુ હતુ, પરંતુ આ વાતને પણ એક માસ જેવો સમય વીતી ગયો હોવા છતા આ રોડ રીસર્ફેસિંગ ન થતા વાહનચાલકો અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...