વિદ્યાર્થીઓ બસની સામે જ બેસી ગયા:સુત્રાપાડાના ધામળેજમાં બસ દોઢેક કલાક મોડી આવતી હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા, અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી ચક્કાજામ કર્યો

ગીર સોમનાથ (વેરાવળ)22 દિવસ પહેલા

ગીર સોમનાથ જિલ્લામાં બીજા દિવસે અનિયમિત એસટી બસોની સેવાના લીધે વિધાર્થીઓ વિફરયાનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે વેરાવળ બાદ આજે સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના બસ સ્ટેશનમાં અભ્યાસ કરવા અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી ચક્કાજામ કરીને સમયસર એસટી બસો વેરાવળ સુત્રાપાડા વાયા કોડીનારના રૂટ ઉપર ચલાવવા માંગ કરી રહ્યા હતા.

સોમનાથ પંથક સહિત જિલ્લામાં એસટી બસો અનિયમિત અને અપુરતી હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અને અપડાઉન કરી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો હોવા અંગે અનેકવાર જુદા જુદા તાલુકાઓમાંથી એસટી તંત્ર સમક્ષ રજુઆતો થઈ જોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. જેના કારણે રોષે ભરાયેલા વિધાર્થીઓ રોષ પ્રદર્શિત કરવા જાહેરમાં હોબાળો મચાવવા મજબુર બન્યા છે. જેમાં ગઈકાલે વેરાવળ બસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી હતી.

દરમિયાન આજે જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામએ બસ સ્ટેન્ડમાં મોટી સંખ્યામાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ એકત્ર થઈ હોબાળો મચાવી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ છે. આ તકે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમારા ગામ સુધી સમયસર એસટી બસો આવતી નથી અને કોક બસ આવે છે. તો તેમાં વિદ્યાર્થીઓને ચડવા દેવાતા નથી. જેના લીધે અમો શાળા-કોલેજોએ સમયસર પહોંચવામાં મોડા થતા હોવાથી ત્રણથી ચાર લેક્ચર છુટી જતા અભ્યાસ બગડી રહ્યો છે. ત્યારે વેરાવળ કોડીનાર વાયા સુત્રાપાડા-ધામળેજ રૂટ ઉપર સવારના સમયે ઘણી બસો છે જે નિયત સમય કરતાં દોઢ-બે કલાક દરરોજ મોડી આવે છે. જે નિયત સમયે દોડે તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...