ગીર સોમનાથ જિલ્લાની તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ સામે ઉપપ્રમુખ સહિત 17 સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત રજુ કરવાની સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વહેલીતકે સામાન્ય સભા બોલાવવા માંગ કરવામાં આવી છે. આ પરિસ્થિતિ સર્જાવા પાછળ વિધાનસભાની ચુંટણી પુર્વે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસ છોડી ભાજપમાં જતા તા.પં.ના સભ્યો પણ તેમની સાથે હોવાથી આ સ્થિતિ ઉભી થઈ છે. જેના લીધે આગામી દિવસોમાં તાલાલા તાલુકા પંચાયતમાંથી પણ કોંગ્રેસના શાસનનો અંત આવી ભાજપના હાથમાં સતા આવે તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. આ રાજકીય ઘટનાક્રમના પગલે ગીરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
તાલુકા પંચાયતમાંથી પણ કોંગ્રેસના શાસનનો અંત
તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ રામસિંહ પરમાર વિરુદ્ધ ઉપપ્રમુખ શિલ્પા કણસાગરા, વિઠ્ઠલ ટીંબડીયા, રઈઝા મોરી, ધારા કમાણી, અલ્પા વઘાસિયા, અનિલા બારડ, જશુ બારડ(ભોજદે), જમન રાખોલીયા, નિજાર સમનાણી, લવજી કપુરીયા, દેવીબેન રામ, દેવશી ચાંડેરા, ભાવના હિરપરા, નિશા અજુડીયા, મોતી ભરડા, બાબુ પરમાર, કિશન પાનસુરીયા સહિત 17 તાલુકા પંચાયત સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી કૌશિક પરમાર સમક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ અવિશ્વાસ દરખાસ્ત ઉપર નિર્ણય કરવા તાકીદે સામાન્ય સભા બોલાવવા માંગણી કરવામાં આવી છે. જેના લીધે આગામી દિવસોમાં તાલુકા પંચાયતમાંથી પણ કોંગ્રેસના શાસનનો અંત આવી જવાની સાથે ભાજપ સતા હાંસલ કરે તેવી સ્થિતિ સર્જવવા જઈ રહી છે.
પ્રમુખ સામે બધા સભ્યોએ સાથે મળી અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો
ગત તાલાલા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ-10, ભાજપ-7 અને અપક્ષમાંથી એક સભ્ય ચૂંટાતા કોંગ્રેસની શાસન સત્તારૂઢ થયું હતુ. બાદ તાજેતરની વિધાનસભાની ચુંટણી પુર્વે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ કોંગ્રેસ છોડી ભાજપમાં જતા તાલુકા પંચાયતના સભ્યો પણ તેમની સાથે જતા ઉભી થયેલ સ્થિતિ અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખ સામે બધા સભ્યોએ સાથે મળી અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. તાલુકા પંચાયત પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત છે અને તેની મુદત તા.16/09/2023 ના રોજ પૂરી થાય છે. ત્યારે પ્રમુખ સામે રજૂ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા કરી નિર્ણય કરવા આગામી દિવસોમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા મળવા જઈ રહી હોવાનું જાણવા મળેલું છે. જેમાં શું થશે તે જોવું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.