પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવાને ગણતરીના દિવસો બાકી છે. એવા સમયે જ નિત્યક્રમ મુજબ જગવિખ્યાત સોમનાથ મંદિર પરીસર તથા આસપાસ આવેલા ટ્રસ્ટ હસ્તકના મંદિરોની અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 300 જેટલા સ્વયંસેવકોએ એક દિવસ શ્રમદાન કરી સાફ-સફાઈ કરવાની સેવા કરી હતી. આ સંસ્થા છેલ્લા અગીયાર વર્ષથી મહાદેવના સાંનિધ્યમાં આવી શ્રમદાનની સેવા કરી અન્યોને પ્રેરણાદાયી રાહ ચીંધી રહી છે.
નિત્યક્રમ મુજબ સંસ્થા સેવા કરવા સ્વખર્ચે આવી પહોંચી
સને.2009માં શ્રાવણ માસના પ્રારંભ પુર્વે પ્રથમ વખત અમદાવાદની બાપા સીતારામ સેવા ટ્રસ્ટ સંસ્થાના સ્વયંસેવકો સોમનાથ સહિતના મંદિરોની સાફ સફાઈ કરી શ્રમદાન કરવા માટે પ્રથમ વખત યાત્રાધામમાં આવ્યા હતા. ત્યારબાદ દર વર્ષે આવી સેવા અર્થે આવી રહ્યા હતા. દરમ્યાન કોરોના મહામારીના કારણે વર્ષ 2020 તથા 2021માં સફાઈની સેવા થઈ શકેલ નહીં. પરંતુ આ વર્ષે હવે શ્રાવણ માસ પ્રારંભ થવાને ગણતરીના દિવસો બાકી છે. એવા સમયે આ સંસ્થાના સ્વયંસેવકો હર્ષોલ્લાસ સાથે ગઈકાલે સોમનાથ આવી પહોંચ્યા હતા.
ટીમો બનાવી તમામ મંદિરોની સફાઈ કરી
બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 300 જેટલા સ્વયંસેવકો સ્વખર્ચે પોતાના સાફ-સફાઈ માટેના જરૂરી સાવરણી, પોતા, સીડી જેવા સંસાધનો વગેરે સાથે લઈ આવ્યા હતા. ગઈકાલે રવિવારે સવારથી મોડી સાંજ સુધી સોમનાથ મંદિર, પરીસર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના જુના સોમનાથ અહલ્યાબાઇ મંદિર, ગોલોકધામ ગીતા મંદિર, ભાલકા તિર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ, વિઠલેશ્વર મંદિર-પ્રાચી અને ભીડીયા ખાતેના શશીભુષણ મહાદેવ મંદિર ખાતે 300 જેટલા સ્વયં સેવકોએ સફાઈ કામગીરી કરી શ્રમદાન કર્યુ હતુ. સ્વયં સેવકોએ ટીમો પાડી અલગ અલગ મંદિરોમાં સવારથી જ સફાઈ કાર્યમાં લાગી ગયા બાદ દિવસભર યાત્રાધામના મંદિરોમાં સફાઈ કાર્યની રાહચીંધતી સેવા જોવા મળી રહી હતી. આ સેવામાં મંદિરો અને પરીસરની સંપૂર્ણ સફાઈ કરી હતી.
સ્વચ્છતા જાળવવા ભાવિકોને લાગણીશીલ અપીલ
યાત્રાધામમાં કરેલ સફાઈની સેવા કાર્ય પૂર્ણ કર્યા બાદ સંસ્થાના હેરશભાઈ સોનીએ જણાવેલ કે, અમોએ નિત્યક્રમ મુજબ સફાઈ કાર્ય થકી એક દિવસ શ્રમદાન કરી મહાદેવની આરાધના કરી છે. બાદ બીજા દિવસે સવારે સોમનાથ મહાદેવની ધ્વજાપુજા અને ધ્વજારોહણ કરી ધન્યતા પ્રાપ્ત કરી છે. “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” યાત્રીઓ સોમનાથ તિર્થધામમાં આવે ત્યારે સ્વચ્છતાના આગ્રહી બને અને તીર્થધામમાં ગમે ત્યાં કચરો ફેંકે નહીં અને કચરાપેટીમાં જ નાંખે જેથી સ્વચ્છતા બની રહે. સ્વચ્છતા ત્યાં પવિત્રતા હોય છે જેમના સમન્વયથી રચાતા આધ્યાત્મિક વાતાવરણની અનુભુતી અન્ય યાત્રીઓ પણ કરી શકે તેવી લાગણીશીલ અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.