અસામાજીક પ્રવૃત્તિ કરનાર જેલ હવાલે:વેરાવળ-ઉનાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોની ધરપકડ; પોલીસે જુદી-જુદી જેલમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરી

ગીર સોમનાથ (વેરાવળ)5 દિવસ પહેલા

વિધાનસભા ચુંટણીના મતદાનની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સહિતની ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થાય તે માટે કામગીરી કરી રહ્યુ છે. જે અંતર્ગત જિલ્લા પોલીસે વેરાવળ અને ઉનાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા એક-એક ગુનેગારોની પાસા હેઠળ ધરપકડ કરી જુદી-જુદી જેલોમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરી છે. તો આચારસંહિતા અમલી બન્યાથી આજ દિન સુધીમાં જિલ્લામાંથી આઠ જેટલા ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી પોલીસે અસામાજીક પ્રવૃત્તિ કરતા શખ્સોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે.

પાસા દરખાસ્ત મંજુર કરી વોરંટ ઇસ્યુ
જિલ્લા પોલીસે કરેલ કાર્યવાહીની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળની દિવાનીયા કોલોનીમાં રહેતો અને પશુ તસ્કરી જેવા ગુનાઓ આચરતો મુન્તહા ઉર્ફે અલીયો અલી પંજા સામે અત્યાર સુધીમાં પોલીસ સ્ટેશનોમાં પશુ તસ્કરી સહિતની જુદી જુદી કલમો હેઠળના સાત જેટલા ગુનાઓ નોંધાયેલ છે. જેને ધ્યાને લઇ સીટી PI એસ. એમ. ઈસરાણીએ પાસા દરખાસ્ત તૈયાર કરીને પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. જે પાસા દરખાસ્ત મંજુર કરી વોરંટ ઇસ્યુ કરતાં એલસીબી PI એ.એસ.ચાવડાની સૂચનાથી સ્ટાફે મુન્તહા ઉર્ફે અલીયો અલી પંજાની ધરપકડ કરી સુરતની સેન્ટ્રલ જેલ ખાતે ધકેલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અસામાજીક તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી
ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે રહેતો વિપુલ મહેશ કામળીયા શરીર સંબંધી ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે. તેની સામે નવાબંદર પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા હતા. જેના આધારે નવાબંદર PSI એ.બી. વોરાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. જે મંજુર થઈ વોરંટ ઈસ્યુ થતાં LCBના સ્ટાફે આરોપી વિપુલ મહેશ કામળીયાની અટકાયત કરીને ભુજની સેન્ટ્રલ જેલમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરી હતી. આમ જિલ્લા પોલીસે એક જ દિવસમાં ગુનાહિત માનસ ધરાવતા બે શખ્સોને પાસા હેઠળ ધરપકડ કરતા અન્ય અસામાજીક તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...