"મારી ગાડી આવતી હોય ત્યારે બેરેક કેમ રખાય" એટલું કહેતા જ ટોલબૂથના કર્મચારી ઉપર તૂટી પડ્યા સોમનાથ બેઠકના AAP પાર્ટીના ઉમેદવાર જગમાલ વાળા. આ વાત છે તા. 15ના રોજ રાત્રીના 12 વાગ્યાની. જ્યાં વેરાવળ નજીક આવેલા ડારી ટોલબૂથ ઉપરથી જગમાલ વાળા પસાર થઈ રહ્યા હતા. એ સમયે સોમનાથ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમાલ વાળાની દબંગગીરી કર્યાનો મામલો સામે આવ્યો છે. એમાં AAPના ઉમેદવાર XUV કારમાં સવાર થઈ જઈ રહ્યા હતા. ત્યારે ટોલબૂથ પર બેરેક શું કામ રાખ્યાં છે એમ કહીને ટોલબૂથના કર્મચારીને ફડાકા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં પ્રભાસ પાટણ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. થોડા સમય અગાઉ પણ આ જ ટોલબૂથ પર માથાકૂટ કરીને NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટરને માર મારવા અંગે AAPના ઉમેદવાર જગમાલ વાળા સામે પોલીસમાં ગુનો નોંધાયેલો છે.
કર્મચારીને એક-બે ફડાકા ઝીંકી દઈ, અપશબ્દો ભાંડ્યા
આ ચકચારી મામલે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, વેરાવળ નજીક હાઈવે ઉપર આવેલા ડારી ટોલબૂથ પર ફરજ બજાવતા ટોલકર્મી ધરમ રાણાભાઈ વાજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે મોડી રાત્રિના સમયે વ્હાઈટ કલરની કારમાં આમ આદમી પાર્ટીના સોમનાથ બેઠકના ઉમેદવાર જગમાલ વાળા ટોલબૂથ પર પહોંચ્યા એ સમયે તેની આગળની કાર પસાર થવામાં થોડો સમય લાગ્યો હતો. ત્યારે કારમાંથી નીચે ઊતરીને તેમણે કહ્યું હતું કે હું જગમાલ વાળા છું અને મારી ગાડી આવવાની હોય ત્યારે જ કેમ બેરેક રખાય એમ કહીને એક-બે ફડાકા ઝીંકી દઈ અપશબ્દો ભાંડ્યા હતા. બાદમાં કાર લઈ નીકળી ગયા હતા.
પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
આ જગમાલ વાળાએ કરેલી દબંગાઈની સમગ્ર ઘટના ટોલબૂથના CCTV કેમેરાઓમાં કેદ થઈ ગઈ હતી, જેમાં જોવા મળ્યા મુજબ, ટોલબૂથ પરનું બેરિકેટ હટાવવા જેવી બાબતે એક કારમાંથી ઊતરેલો શખસ ટોલકર્મીને ફડાકા ઝીંકતો જોવા મળે છે. આ ઘટનાના CCTV ફૂટેજો અને ઉપરોક્ત વિગતો સાથે ટોલકર્મીએ ફરિયાદ કરતાં પ્રભાસપાટણ પોલીસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમાલ વાળા સામે IPC કલમ-323, 504 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પીઆઈ ગોહિલે જણાવ્યું હતું.
જગમાલ વાળાની દબંગાઈની ઘટનાથી ચકચાર
અત્રે નોંધનીય છે કે થોડા સમય અગાઉ પણ જગમાલ વાળાએ ટોલબૂથ પર માથાકૂટ કરી હતી. ત્યાર બાદ NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટરને તેની ઓફિસમાં જઈ માર માર્યા અંગે તેમની સામે પોલીસમાં ગુનો નોંધાયા બાદ એક દિવસ જેલની હવા પણ તેમને ખાવી પડી હતી. તાજેતરમાં AAPના ઉમેદવાર જગમાલ વાળાએ ચૂંટણી લડવા ભરેલા ફોર્મમાં પણ તેની સામે પાંચ જેટલા ગુના નોંધાયા હોવાનું જણાવ્યું છે. આમ, મારામારી કરવાથી ટેવાયેલા AAP પાર્ટીના ઉમેદવાર જગમાલ વાળાની દબંગાઈની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.