ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી પુનઃધમધમતી કરી તાલુકાની રોનક અને સમૃદ્ધિમાં વધારો કરવા માટે તાજેતરમાં ખાંડ ફેકટરી સંસ્થાની મળેલી વાર્ષિક સાધારણ સભામાં ઠરાવ સાથે માંગણી કરવામાં આવી છે. આ સભામાં ભાજપના ધારાસભ્ય સહિત ડીરેક્ટરો, સભાસદ ખેડુતો સહિતના હાજર રહ્યા હતા. આ ખાંડ ફેક્ટરી શરૂ કરવાનો મુદો ચુંટણી સમયે પણ ગુંજ્યો હતો. જેથી હવે ખાંડ ફેક્ટરી ક્યારે શરૂ થશે તે જોવું રહેશે.
તાલાલા ખાંડ ફેક્ટરીના એમડી ચિનાભાઈ કામળીયાએ આપેલી વિગત પ્રમાણે સંસ્થાના ચેરમેન ભીમશી બામરોટીયાના અધ્યક્ષસ્થાને અને તાલાલા ગીરના ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં તાલાલા ખાંડ ફેક્ટરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં બંધ પડેલી ખાંડ ફેક્ટરી ચાલુ કરવા એકી અવાજે માંગણી કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન ભીમશી બામરોટીયાએ જણાવેલું કે, તાલાલા ગીર પંથક માટે આશીર્વાદરૂપ આ સંસ્થા ઉપર આર્થિક ભારણ વધી ગયું છે. ખેડુતોની આ સંસ્થાને આર્થિક ભારણમાંથી બહાર લાવવા માટે બેંક સાથે પરામર્શ કરી વન ટાઈમ સેટલમેન્ટ કરાવી રૂ.30 કરોડની કેપિટલ લોન સબસિડી સહાય માટે રાજ્યના ખાંડ નિયામક મારફત રાજ્ય સરકારમાં દરખાસ્ત કરેલી છે. રાજ્ય સરકાર વિશાળ ખેડુતોના હિતને ધ્યાને લઈ કરાયેલી દરખાસ્તને મંજૂરી આપવી જોઈએ તેવી લાગણી છે.
સભામાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે તાલાલા સહિત છ તાલુકાના ખેડુત સભાસદો તથા તાલાલા પંથકના સર્વાંગી વિકાસમાં જેનું અમુલ્ય યોગદાન રહ્યું છે. તેની વિસ્તૃત વિગતો સાથે સરકારમાં રજૂઆત કરી ખાંડ ફેક્ટરી પુનઃધમધમતી કરવા પ્રયત્નો કરવા સભાસદોને ખાત્રી આપી હતી. ખાંડ ફેક્ટરી સવા બે થી અઢી લાખ ટન શેરડી પીલાણની ક્ષમતા ધરાવે છે. ભુતકાળમાં કાચો માલ(શેરડી) નહીં મળતાં સંસ્થા બંધ થઈ ગઈ હતી. સરકારની સહાય ઉપરાંત પીલાણ માટે(કાચો માલ)શેરડી પણ જોશે તે પણ ધ્યાને લેવા ખેડુતોને તાકિદ કરી હતી. ખેડુતોએ કાચા માલ માટે સહયોગ આપવા ધારાસભ્યને ખાત્રી આપી હતી.
તાલાલાના વિશાળ હિત માટે જરૂર પડે તો સંસ્થા લીઝ ઉપર આપો
તાલાલા પંથક માટે આશીર્વાદરૂપ બંધ પડેલી ખાંડ ફેક્ટરી પુનઃધમધમતી કરવા રાજ્ય સરકાર આગળ આવે અથવા જરૂર પડે તો આઈ.પી.એલ.કે અન્ય કોઈ કંપનીઓને ફેક્ટરી લીઝ ઉપર આપી ખેડૂત સભાસદો તથા કર્મચારીઓના વિશાળ હિત માટે ફેક્ટરી પુનઃશરૂ કરવી જોઈએ. આ માટે સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આગળની જરૂરી કાર્યવાહી કરવા તમામ અધિકારો આપતો ઠરાવ સાધારણ સભાએ સર્વાનુમતે પસાર કરી બોર્ડને અધિકારો આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.