હાથ તો આયા પર મુંહ ના લગ પાયા:વેરાવળમાં બુકાનીધારી શખ્સનો શિક્ષિકાના ગળામાં ચેન ઝૂંટવાનો પ્રયાસ નિષ્ફળ બન્યો; પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડી પાડ્યો

ગીર સોમનાથ (વેરાવળ)8 દિવસ પહેલા

વેરાવળમાં બે દિવસ પહેલા વ્હેલી સવારે અંધારાનો લાભ લઈ રામભરોસા ચોકમાં બસની રાહ જોઈને ઉભેલા શિક્ષિકાના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવવાનો અજાણ્યા શખ્સે પ્રયાસ કર્યાની ઘટના બની હતી, પરંતુ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. આ ચીલઝડપની ઘટનાને ગંભીરતાથી લઈ નેત્રમ સીસીટીવી કેમેરાના તથા ટેકનોલોજીની મદદથી ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

હાલ શિયાળાની કડકડતી ઠંડીના દિવસો શરૂ થયા છે. ત્યારે વ્હેલી સવારના સમયે જુજ લોકો બહાર નીકળતા હોવાના તકનો લાભ લેવા ચોરી ચપાતી કરતા શખ્સો સક્રિય થતા જોવા મળે છે. ત્યારે આવી એક ચીલઝડપની ઘટના બે દિવસ પૂર્વે વેરાવળમાં બની હતી. જેની પ્રાપ્ત વિગત મુજબ શહેરના રામભરોસા ચોક વિસ્તારમાં બસની રાહ જોઈને ઉભેલા એક શિક્ષિકા નજીક બાઈક ઉપર આવેલા બુકાનીધારી શખ્સે ચેન ઝૂંટવા અર્થે ઝપટ મારી હતી. ત્યારે શિક્ષિકાએ પ્રતિકાર કરી રાડારાડ કરી મુકતાં બુકાનીધારી શખ્સ હડબળાટમાં નાસી ગયો હતો. જો કે, શિક્ષિકાએ પહેરેલી ચેન ત્યાંજ પડી જતા બચી ગઈ હતી.

આમ ચીલઝડપના નિષ્ફળ પ્રયાસની સમગ્ર ઘટના ક્રમ અંગે શિક્ષિકાએ પોલીસને જાણ કરી હતી. જેને ગંભીરતાથી લઈ સીટી પીઆઈ એસ.એમ. ઇશરાણીએ ડી-સ્ટાફને તપાસના કામે લગાડી હતી. જેમાં નેત્રમના સીસીટીવી ફુટેજો તપાસતા બાઈક ઉપર એક ઈસમ શંકમદ ઘટનાને અંજામ આપતો જોવા મળ્યો હતો. આ માહિતીના આધારે ડી-સ્ટાફે ચીલઝડપ કરનાર આરોપી નબીલ હનીફ ચૌહાણની બાઈક સાથે ધરપકડ કરી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...