બે પુત્રીઓ સાથે મહિલાનો આપઘાત:વેરાવળના નાવદ્રા ગામે પરણીતા બે માસુમ પુત્રીઓ સાથે કુવામાં કૂદી; બંન્ને પુત્રીના મોત અને માતા સારવાર હેઠળ

ગીર સોમનાથ (વેરાવળ)17 દિવસ પહેલા
  • આત્મહત્યાનું કારણ અકબંધ
  • પોલીસે તપાસ શરુ કરી

વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે ગત મોડી સાંજે પોતાના ઘરના આંગણામાં આવેલ કુવામાં પરણીતાએ પોતાની બે માસુમ પુત્રીઓ સાથે પડતું મુકી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે માસુમ પુત્રીઓના મૃત્યુ થયેલ છે જ્યારે માતા ગંભીર હોવાથી સારવાર હેઠળ છે. આ કરૂણ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના પગલે નાના એવા ગામમાં સોપો પડી જવાની સાથે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ તાલુકાના નાવદ્રા ગામના વાડી વિસ્તારમાં મંજુબેન સુરેશભાઈ પાતળ (ઉં.વ.૩૦) તેમના પતિ, બાળકો સાથે સંયુક્ત પરીવારમાં સાથે રહે છે. દરમિયાન ગઈકાલે મોડીસાંજે ઘરના બધા સભ્યો કામકાજમાં હતા ત્યારે ઘરના આંગણામાં આવ કુવામાં મંજુબેનએ બંન્ને પુત્રીઓ શ્રધ્ધા અને રીટા સાથે કોઈપણ કારણોસર કુવામાં કુદકો મારી પડતું મુક્યુ હતું. તે સમયે વાડીએ હાજર પરીવારજનોનું ધ્યાન જતા જ દોડી જઈ તાત્કાલીક કુવામાં અંદર ઉતરીને ત્રણેય માતા-પુત્રીઓને બહાર કાઢી સારવાર અર્થે સિવીલ હોસ્પીટલે લઈ ગયા હતા.

આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
જ્યાં ફરજ પરના તબીબે શ્રધ્ધા (ઉ.વ.5) અને રીટા (ઉ.વ.1 વર્ષ)ને મૃત જાહેર કરી હતી. તેમજ માતા મંજુબેનની હાલત ગંભીર હોવાથી પ્રાથમીક સારવાર આપી ખાનગી હોસ્પિટલમાં લઈ જવા રીફર કરેલ હતા. જ્યાં તેમની હજુ સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જેમાં હાલ પ્રાથમિક તપાસમાં પરણીતાએ પુત્રીઓ સાથે ક્યાં કારણોસર આપઘાત કર્યો તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. જે જાણવા આગળ તપાસ ચાલુ છે.

ઘટનાના પગલે અગ્રણીઓ દોડી આવ્યા
આ કરૂણ ઘટનાની જાણ થતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પાંચાભાઇ વાળા સહિત ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. તો જાણવા મળતી વિગમ મુજબ સુરેશભાઈ પાતળ ચાર ભાઈઓના સંયુક્ત પરિવારમાં રહે છે. જેમાં બે ભાઈઓના લગ્ન થયેલ છે અને તે મજૂરી કામ કરે છે. નાવદ્રા ગામના વાડી વિસ્તારમાં આવેલ વાડીમાં બધા સયુંકત પરીવારમાં રહે છે. આ બનાવમાં બે માસુમ દિકરીઓના મૃત્યુથી પરીવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. આઘાતમાં આવી ગયા હતા. જ્યારે ગૃહ કંકાસના કારણે આ પગલું ભર્યાનું લોકોમાં ચર્ચાય રહેલ છે. તો ઘટનાના પગલે નાના એવા ગામ સહિત પંથકમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...