કોમી એકતા તોડવાનો પ્રયાસ નિષ્ફળ:કોડીનાર પંથકમાં બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી એડિટેડ ફોટા પોસ્ટ કરનાર શખ્સ ઝડપાયો; ઓનલાઈન જૂઠ્ઠાણાં ફેલાવી લોકોને ઉશ્કેરતો

ગીર સોમનાથ (વેરાવળ)23 દિવસ પહેલા
  • પોલીસે સતર્કતા દાખવી ફેસબુક પાસેથી માહિતી મેળવી આરોપી મૂળદ્વારકાના શખ્સની ધરપકડ કરી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મુળ દ્વારકા ગામના શખ્સે બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી સમાજના બે ગ્રૂપ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ કર્યાના ગુનાનો કોડીનાર પોલીસે પર્દાફાશ કરી પંથકના મૂળ દ્વારકા ગામાના શખ્સને ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવટી ફેસબુક ID બનાવી ફોટા પોસ્ટ કરતો
સોશિયલ મિડીયાના બેફામ ઉપયોગથી લોકોમાં વૈમનસ્ય ફેલાતા કોમી શાંતિનું વાતાવરણ બગડી રહ્યાના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગીર સોમનાથમાંથી સામે આવ્યો છે. જે અંગે જિલ્લાના કોડીનાર પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ દ્વારકા ગામે છેલ્લા ત્રણેક માસથી કોઈ શખ્સ દ્વારા સમાજના આગેવાનોના ફોટા એડીટ કરીને એડીટ કરેલા ફોટાઓનો વીડિયો બનાવી તે વીડિયોના બેકગ્રાઉન્ડમાં અભદ્ર મ્યુઝીક રાખી અલગ- અલગ બનાવટી ફેસબુક આઈડી બનાવી તેના મારફત આ ફોટાઓ વીડિયો ફેસબુક સ્ટોરીમાં રાખી વાયરલ કરતો હતો.

ફેસબુકની મદદથી ગુનેગાર પકડાયો
​​​​​
જેના કારણે સમાજના બે ગ્રૂપો વચ્ચે વૈમનસ્ય ફેલાવાની પૂરી શક્યતા હતી. જેથી કોડીનાર પોલીસ ટીમ દ્વારા મૂળ દ્વારકા ગામના કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અણછાજતો બનાવ ન બને તે બાબતની તકેદારી રાખી આ બનાવટી ફેસબુક આઈડી એકાઉન્ટ પ્રિઝર્વેશન કરાવીને આ બનાવટી આઈડી બનાવી તેનો ઉપયોગ કરનાર શખ્સ નિઝામભાઈ ઉંમરભાઈ ઢોકી (રહે. મૂળ દ્વારકા)ને ઝડપી લીધો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આરોપીની પૂછપરછમાં તે એક એપ્લીકેશનનો ઉપયોગ કરી આવા અભદ્ર ફોટો-વીડિયો બનાવીને બનાવટી ફેસબુક એકાઉન્ટ થકી વાઈરલ કરતો હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કોડીનાર પીઆઈ એ.એમ. મકવાણાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...