સોમનાથના શહેરીજનોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુકત કરાવવા માટે પ્રથમ વખત જિલ્લા પોલીસ દ્વારા વેરાવળમાં 11 જાન્યુઆરીના રોજ જાહેર લોક સંવાદ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વ્યાજખોરોનો ત્રાસ સહન કરતા લોકોને નિર્ભયતાથી રજૂઆત કરવા માટે આવવા પોલીસ તંત્રએ જાહેર અપીલ કરી છે.
સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો ઉપર ભીંસ બોલાવવા માટે પોલીસ તંત્રએ કમ્મરકસી કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત પ્રથમ વખત વેરાવળમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરાવવા માટે કાર્યક્રમનું આયોજન હાથ ધરેલ છે. જે અંગે માહિતી આપતા પીઆઈ એસ.એમ. ઈશરાણીએ જણાવ્યું કે, શહેરીજનોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા તથા નાણાં ધિરધારના કાયદાઓથી માહિતગાર કરવાની સાથે પોલીસ અને પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદેશ અને પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સુચનાથી ‘‘જાહેર લોક સંવાદ’’ કાર્યક્રમ 11 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ વ્યાજખોરોથી પીડિત લોકોના પ્રશ્નો સાંભળવાની સાથે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરશે. આ જાહેર લોક સંવાદ કાર્યક્રમમાં જાહેરમાં રજૂઆત નહીં કરી શકનાર પીડિત લોકો સિટી પીઆઈ એસ.એમ. ઈશરાણી, એલસીબી પીઆઈ એ.એસ.ચાવડા, એસઓજી પીઆઈ એ.બી.જાડેજાનો રૂબરૂ સંપર્ક કરી શકશે. ત્યારે લોકો માટે યોજાતા આ કાર્યક્રમમાં વ્યાજખોરોથી પીડિત લોકો નિર્ભયતાથી રજૂઆત કરવા આવે તે માટે પોલીસ તંત્રએ અપીલ કરી છે.
અત્રે નોંધનીય છે કે, વેરાવળ સોમનાથ જોડીયા શહેરના ચોક્કસ વિસ્તારોમાં રહેતા અશિક્ષિત લોકોને યેનકેન પ્રકારે વ્યાજખોરો પોતાની જાળમાં ફસાવી રહ્યાની લોકોમાં વ્યાપકપણે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે વ્યાજખોરોના ચુંગાલમાંથી લોકો છુટી શકે તે માટે પોલીસ તંત્ર મુહિમ ચલાવે તેવી લોકો આશા રાખીને બેઠા હતા. ત્યારે આ કાર્યક્રમમાં કેટલા પીડિતો ખુલીને સામે આવે છે તે જોવું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.