શીકારની શોધમાં દિપડી ડિપી પર ચડી ગઈ:ગીરના ડોળાસા કરેણી ગામના સીમમાં આંટાફેરા કરતી દિપડી વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતા શોર્ટ લાગવાથી મોતને ભેટી

ગીર સોમનાથ (વેરાવળ)15 દિવસ પહેલા

ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા ગામથી નજીક આવેલ કરેણી ગામની સીમમાં ધોળા દિવસે શિકારની શોધમાં આંટાફેરા કરી રહેલી એક દિપડી ચાલુ વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતા વીજ શોર્ટ લાગવાથી મોતને ભેટી હતી. આ આકસ્મીક ઘટનાની જાણ થતા જશાધાર રેંજના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી પહોંચી હતી. મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શોર્ટના એક ઝાટકે જ દીપડી શ્વાસ છોડ્યો
ગીરગઢડા તાલુકાના કરેણી ગામની સીમમાં આજે બપોરના બેએક વાગ્યા આસપાસ ચાર વર્ષની પૂર્ણ કદની એક દિપડી શિકારની શોધમાં આંટાફેરા કરી રહી હતી. ત્યારે સીમ વિસ્તારમાં બચુ બોઘભાઈ મોરીની વાડીના શેઢે આવેલા વિજ ટ્રાન્સફોર્મર ઉપર દિપડી ચડી જતા પલભરમાં જ જોરદાર વિજ શોર્ટ લાગતા ત્યાં ચોંટી જઈ મોતને ભેટી હતી. આ આકસ્મીક ઘટનાના પગલે કરેણી અને કાણકિયા ગામોનો વિજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. વિજ ટ્રાન્સફોર્મર ઉપર ચોટીલી દિપડાના દ્રશ્યો નિહાળી ખેડુત દ્વારા વન વિભાગની જશાધાર રેંજને જાણ કરતા સ્થળ ઉપર અધિકારીઓ વનકર્મી સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. સ્થળ તપાસ કર્યા બાદ દિપડીનો.મૃતદેહ કબ્જામાં લઈ પીએમ અર્થે લઈ જઈ આગળની તપાસ હાથ ધરી હતી.

વીજ ટ્રાન્સફરો ફરતે બેરીકેટ ફીટ કરાવવા સ્થાનિકોની માગ
અત્રે નોંધનીય છે કે, ડોળાસા આસપાસના ત્રીસથી વધુ ગામોમાં સંખ્યાબંધ દિપડાઓ અને સાવજોનો વસવાટ છે. છેલ્લા દસ વર્ષથી ડોળાસા વિસ્તારને આવા રાની પશુઓએ પોતાનો વિસ્તાર બનાવીને નિયમિત આંટાફેરા કરતા જોવા મળે છે. ત્યારે સિંહ, દીપડા જેવા પ્રાણીઓની સલામતી માટે આ તમામ ગામોના સીમ વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફરો ફરતે બેરીકેટ અથવા લોખંડની મજબુત ઝાળીઓ ફીટ કરાવવી જોઈએ. તંત્ર આવું કરશે તો ભવિષ્યમાં આવી આકસ્મીક થતી દુઘટર્નાઓ બનતી અટકી શકે.

અન્ય સમાચારો પણ છે...