સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું:શ્રાવણના પહેલા સોમવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ સોમનાથ પહોંચ્યા; ૐ નમઃ શિવાયના નાદથી વાતાવરણ શિવમય બન્યું

ગીર સોમનાથ (વેરાવળ)10 દિવસ પહેલા
  • પોલીસે સુરક્ષામાં વધારો કર્યો
  • પાલખીયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું
  • સોમનાથ મંદિરના સવારે 4 વાગ્યે ખુલ્યા દ્વાર, 20,400 લોકોએ મહાદેવના દર્શનનો લાભ લીધો

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોર્તિલીંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભાવિકોનો સમુદ્ર ધુધવાયો નજરે પડતો હતો. મંદિર બહાર કતારબંધ લાઈનમાં રહેલા શિવ ભક્તોના ૐ નમઃ શિવાયના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું. યાત્રાધામ નગરીમાં સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત ઉમટી રહ્યો જોવા મળતો હતો.

શ્રાવણના પહેલા સોમવારે ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
શ્રાવણના પહેલા સોમવારે ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતારો લાગી
શ્રાવણ માસના સોમવારના દિવસે શિવજીના દર્શન કરવાનું અનેરું મહત્વ છે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારે 4 વાગ્યે જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ખૂલ્યા હતા ત્યારથી જ શિવભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડેલ જોવા મળતું હતું. સોમનાથ મંદિર અને પરિસર દેશ-વિદેશમાંથી આવેલા ભાવિકોને હરહર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ શિવમય બની ગયુ હતું. મહાદેવની આરતી અને દર્શનની એક ઝલક માટે ભાવિકો કતારબંધ લાઈનોમાં ૐ નમઃ શિવાય...હર હર મહાદેવના જાપ કરતા નજરે પડતા હતા. વહેલી સવારે 7 વાગ્યે સોમનાથ મહાદેવને અલોકીક પ્રાતઃ શણગાર કરવામાં આવેલ બાદ મહાપુજન કરવામાં આવેલ હતા.

શિવજીની પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા
શિવજીની પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા

મહાદેવની પાલખીયાત્રામાં માનવમહેરામણ ઉમટ્યું
ત્યારબાદ સવારે નવ વાગ્યે સોમનાથ મહાદેવને પાલખીયાત્રા નિકળી હતી. જેમાં સ્વયં મહાદેવ પાલખીયાત્રા સ્વરૂપે મંદિર પરિસરમાં નગરચર્યાએ નિકળા હતા. ત્યારે પાલખીયાત્રામાં જોડાઈને મહાદેવના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બની ગયા હતા. ત્યારબાદ બપોરે 11.30થી મહાદેવને મધ્યાહન મહા પૂજન અને આરતી કરવામાં આવી હતી. તો વહેલી સવારથી સોમનાથ મંદિર ખાતે અવિરત ભાવિકોનો સમુહ ઉમટી રહેલ નજરે પડતો હતો. સોમનાથ મંદિર પહોંચવાના તમામ માર્ગે ઉપર ભાવિકો સોમનાથ તરફ પ્રયાણ કરતા જોવા મળતા હતા.

સોમનાથ મંદિરનું પ્રાંગણ હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું
સોમનાથ મંદિરનું પ્રાંગણ હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું
ભક્તો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા
ભક્તો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું
શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઉમટનાર ભીડને ધ્યાને લઇ જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા દ્વારા ખાસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલ હતો. મંદિર ખાતે ડીવાયએસપી એમ.એમ.પરમારના નેતૃત્વમાં તૈનાત કરાયેલ પોલીસકર્મીઓ અને સ્ટાફ ભાવિકોનું બે સ્તરીય ચેકીંગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપી રહ્યો હતો. તો મંદિર ખાતે બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ તથા એસ.આર.પી.ની ટીમ, એલસીબી, એસઓજીની ટીમ પણ સુરક્ષા આઘે ખડેપગે તૈનાત હતી.

મહાદેવના ખાસ હાલારી પાઘ અર્પણ કરી
શ્રાવણ માસના પ્રથમ સોમવારે જામનગરના જાડેજા પરિવારના સભ્યો દ્વારા સોમનાથ મહાદેવને ભવ્ય હાલારી પાઘ અર્પણ કરવામાં આવી હતી. આ પાઘડી મધ્યાહ્નન સમયે સોમનાથ મહાદેવને શણગારમાં ચડાવવામાં આવી હતી. વર્ષોથી જામનગરનો જાડેજા પરિવાર સોમનાથના સ્વર્ગીય ટ્રસ્ટી દિગ્વિજયસિંહ જામની સ્મૃતિમાં હાલારી પાઘ અર્પણ કરે છે. આ તકે ગૌમાતા લંપી સ્કિન ડીસીસમાંથી મુક્ત થાય તેવી મુખ્ય પ્રાર્થના સાથે જાડેજા પરિવારે સોમનાથ મહાદેવને પાઘ અર્પણ કરી હતી.

યાત્રીઓની સુવિધા માટે એસી ડોરમેટરીનો પ્રારંભ
શ્રી ધામ વૃંદાવનના પરમ પૂજ્ય સ્વામી જયકિશનગીરીજી મહારાજના હસ્તે આજરોજ સવારે 11 વાગ્યે સોમનાથ ટ્રસ્ટ નિર્મિત એસી ડોરમેટરી યાત્રી સુવિધા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે ટ્રસ્ટના એક્ઝિક્યુટીવ ઓફીસર દિલિપભાઇ ચાવડા તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસી ડોરમેટરીમાં 40 બેડની વ્યવસ્થા છે, જેમાં લોકર રૂમ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે અને નજીવા દરે યાત્રિકો સુવિધાનો લાભ લઈ શકે છે.

દંત ચિકિત્સા કેમ્પ યોજાયો
સોમનાથ ટ્રસ્ટ અને ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો હતો.અને 51 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં 30 જેટલી બત્રીસી દર્દીઓને આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...