સોમનાથમાં બૂકિંગ કરાવતા પહેલા ચેતજો:સાયબર ગેંગે ફેક વેબસાઈટ બનાવી લાખો લૂંટ્યા, રૂમ બુકિંગથી લઈ દર્શન કરાવવા સુધી લોકોને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો

ગીર સોમનાથ (વેરાવળ)24 દિવસ પહેલા

જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકિંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સભ્યને ગીર સોમનાથ એલસીબીની ટીમે રાજસ્થાનના ભરતપુર જિલ્લાના આંતરરીયાળ ગામમાંથી ઝડપી પાડી ઓર્ગેનાઇઝેશન ક્રાઈમનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલ આરોપીએ રૂ.1.91 લાખ ઓનલાઈન ઠગાઈ કર્યાની કબૂલાત આપી છે. તો આ ગેંગ દ્વારા અત્યારસુધીમાં અંદાજે 174 પ્રવાસીઓ પાસે બુકીંગના નામે રૂ.33.38 લાખની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. આ ગેંગના વધુ સાગરીતો પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ટ્રસ્ટના અતિથિ ગૃહોનું ફેક વેબ પેઇઝ બન્યું
આ ઓનલાઈન ફ્રોડના પર્દાફાશ અંગે માહિતી આપતા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા પ્રવાસીઓ સોમનાથ ટ્રસ્ટના મહેશ્વરી, લીલાવતી, સાગર દર્શન અતિથિ ગૃહોમાં રોકાણ અર્થે ઓનલાઇન રૂમ બુક કરાવવા વેબસાઇટ પર સર્ચ કરતા હોય છે. જેમાં ગત તા.30 સપ્ટે.ના રોજ અજાણ્યા શખ્સોએ સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગૃહોમાં બુકિંગ માટે ફેક વેબ પેઇઝ બનાવી તેમાં પોતાના ફોન નંબરો તથા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી એક પ્રવાસી પાસેથી બુકિંગ કરવાના બહાને કુલ રૂ.24,195ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી હતી. આની જાણ થતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વલસાડના યુવકનું બેંક એકાઉન્ટ હેક થયું
આ ગુનાના મુળ સુધી પહોંચવા માટે LCB પીઆઈ એ.એસ.ચાવડા તથા સ્ટાફના રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડા, નટુભા બસીયાએ તમામ પ્રકારનું ટેકનિકલ એનાલીસીસ કરી ફ્રોડમાં ઉપયોગમાં લીધેલ બેંક એકાઉન્ટની વિગતો એકત્ર કરી હતી. તેની તપાસ કરતા વલસાડના પિયુષ પટેલના નામે માલુમ પડતા વલસાડ તેની પૂછપરછ કરતા તેણે પેન્સીલ બનાવવાના સાધનો બાબતે વેબસાઇટ પર સર્ચ કરતા એક લીંક મળેલ હતી. જે લીંક પર એક મોબાઇલ નંબર મળતા તેના પર કોલ કરતા સામેવાળાએ તેની (પિયુષ પટેલ) સાથે છેતરપિંડી કરી તેના નામે ઓનલાઇન બેંક એકાઉન્ટ ખોલી અને તેનો દુરુપયોગ કરી રૂમ બુકીંગના નામે નાણા તેમના ખાતામાં ટ્રાન્સફર કરી ઉપડયાની હકીકત જાણવા મળી હતી. જેથી તે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું.

પ્રથમ પ્રખ્યાત પ્રવાસન સ્થળોના ફેક વેબ પેઇઝ બનાવ્યા
વધુમાં ઓનલાઈન ફ્રોડ કરનાર ટોળકીના સાગરીતો દ્વારા ભારતભરના પ્રખ્યાત પ્રવાસન સ્થળોએ રૂમ બુકિંગ કરાવવા માટેના એકથી વધારે ફેક વેબ પેઇઝ બનાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતુ. જેમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના મહેશ્વરી, લીલાવતી, સાગર દર્શન અતિથિ ગૃહના નામે બનાવવામાં આવેલ ફેક વેબ પેઇઝની માહિતી મેળવી એલસીબીના ટેકનિકલ સર્વેલન્સના હેડ ભુપેન્દ્રસિંહએ એનાલીસીસ કરતા વેબપેઇજનું ડોમેઇન ન્યુ જર્સી-યુ.એસ.ના ઇન્ટરનેશનલથી બનાવેલ હતુ. આ રીતના બે ફેક વેબ પેઇજ કાર્યરત હતા, જેને લીગલી કાર્યવાહી કરી ડીલીટ કરાવ્યા હતા.

ટોળકી ગામમાંથી ફ્રોડ ઓપરેટ કરતી
બાદમાં ફેક પેઈઝ ઉપરથી મળી આવેલા શંકાસ્પદ મોબાઇલ નંબરો તથા આઇ.એમ.ઇ.આઇ.ને એનાલીસીસ કરતા તમામ મોબાઇલ નંબરો વેસ્ટ બંગાળ, તામીલનાડુ, ઓરીસ્સાના હોય અને રાજસ્થાનના ભરતપુર જીલ્લાના ડીંગ તાલુકાના ગઢી મેવાત ગામમાંથી ફ્રોડ કરનાર ટોળકી ઓપરેટ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો સમગ્ર મેવાત એરીયા ભુતકાળમાં પણ OLX ફ્રોડ તથા આવા પ્રકારના ચીટીંગના ગુનાઓ માટે પ્રખ્યાત છે. મેવાતના મોટાભાગના લોકો ગેંગ બનાવી અવનવા કીમીયા અજમાવી આવા સાયબર ક્રાઇમ આચરતા હોવાનું પોલીસને જાણવા મળેલ હતુ.

આરોપીને ઝડપતા સ્થાનીક લોકો સાથે પોલીસનું ઘર્ષણ
જેના આધારે ઓર્ગેનાઇઝેશન ક્રાઈમ કરતી ગેંગને પકડવા માટે એલસીબી ટીમે દિવાળીના તહેવારોના દિવસો દરમિયાન એક અઠવાડીયા સુધી મેવાત વિસ્તારમાં રોકાણ કરીને સ્થાનીક પોલીસની મદદથી આવા ફ્રોડ કરતા શખ્સોની વિગતો એકત્ર કરી હતી. જેના આધારે પોલીસ ટીમ આરોપીઓને પકડવા ગઢી મેવાત ગામ પહોંચેલ ત્યારે સ્થાનીક લોકો સાથે ઘર્ષણ થયુ હતું. તેમ છતાં સ્થાનીક પોલીસની મદદ અને આગવી સુઝબુઝથી સાયબર છેતરપિંડીનું ફ્રોડ કરનાર આરોપી રાશીદ સમસુને ઝડપી લઈ તેના કબ્જામાંથી મોબાઇલ તથા ગુનાને લગતું સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું હતું.

સાયબર ફ્રોડમાં વધુ લોકો સંડોવાયેલાની આશંકા
આરોપી રાશીદ સમસુએ અત્યાર સુધીમાં ભારતભરમાં જુદા-જુદા પ્રવાસન સ્થળોએ બુકિંગના નામે અગીયાર જેટલા પ્રવાસીઓ પાસેથી રૂ.1,91,206ની રકમની ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કર્યાની કબુલાત આપી હતી. આ સિવાય પણ આવી રીતે બુકિંગના નામે સાયબર ફ્રોડનો અંદાજે 174 લોકો ભોગ બનેલ છે. જેઓની અંદાજે રૂ.33.38 લાખની રકમ ફ્રોડમાં ગયેલ હોવાની વિગતો પોલીસને જાણવા મળેલ છે. જેથી આ ઓર્ગેનાઇઝ સાયબર ફ્રોડ આચરવાના નેટવર્કમાં વધુ અનેક આરોપીઓ સંડોવાયેલા હોય જેઓને પકડી પાડવા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે.

આ રીતે સાયબર ફ્રોડ કરતો હતો
આ ફ્રોડમાં પકડાયેલ આરોપી રાશીદ સૌપ્રથમ અન્ય લોકોને પેન્સીલ બનાવવાના કામે તથા અલગ અલગ કીમીયા અજમાવી લોકોને છેતરીને ઓનલાઇન બેંક એકાઉન્ટ ઓપન કરી તેમા અન્યના નામે ઇસ્યુ થયેલ પોતાના હસ્તકના સીમકાર્ડ નંબર રજીસ્ટર કરાવતો હતો. બાદમાં આ બેંક એકાઉન્ટ પોતે હેન્ડલ કરીને પ્રવાસન સ્થળના રૂમ બુકિંગના ફેક વેબ પેઇજ બનાવવા માટે ઇન્ટરનેશલ ડોમેઇન ખરીદતો હતો. બાદમાં આ ફેક વેબ પેઇજ પર ફ્રોડથી બનાવેલા એકાઉન્ટ નંબર તથા મોબાઇલ નંબર દર્શાવતો હતો. જેથી પ્રવાસીઓ ગુગલ ઉપર સોમનાથ ખાતે રૂમ બુકિંગની સાઇટ સર્ચ કરતા સદર ફેક વેબ પેઇજ જોવામાં આવતુ હતું. આ વેબ પેઇજ મારફત ઓનલાઇન રૂમ બુકિંગના નામે છેતરપિંડી આચરતો અને આ એકાઉન્ટમાં નાણા જમા થતા તે ઓનલાઇન યુપીઆઇથી તુરત જ અન્ય ફેક એકાઉન્ટમાં તમામ પૈસા ટ્રાન્સફર કરી અલગ અલગ વ્યકતિઓ દ્વારા એટીએમમાંથી ઉપડાવી લેતો હતો.

અન્ય સમાચારો પણ છે...