પાક.માં મોત, કોટડા ગામમાં માતમ:પાકિસ્તાનની જેલમાંથી ફોન આવ્યો, "મમ્મી, આપણા ગામના એક ભાઈનું મોત થઈ ગયું અને બીજા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે"

ગીર સોમનાથ (વેરાવળ)3 મહિનો પહેલા

પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારના એક ફોનથી ગીર સોમનાથનું કોટડા ગામ હીબકે ચડી શોકમાં ગરકાવ થયું છે. ફોનમાં આવેલા સમાચાર મુજબ, પાક જેલમાં કેદ કોટડા ગામના એક માછીમારનું મૃત્યુ નીપજ્યું છે તથા અન્ય એક માછીમાર ત્યાંની હોસ્પિટલમાં ઓક્સિજન પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. આ સમાચારથી કોટડા ગામના તમામ રહેવાસીઓ ચિંતિત બની ગયા છે. એકમાત્ર કોટડા ગામના જ 44 જેટલા માછીમાર સહિત ગીર સોમનાથ જિલ્લાના 431 માછીમાર પાકિસ્તાનની જેલમાં ઘણા સમયથી કેદ છે.

મોતના સમાચાર સાંભળી પરિવાર પર આભ ફાટ્યું.
મોતના સમાચાર સાંભળી પરિવાર પર આભ ફાટ્યું.

માછીમાર સમાજમાં શોકની લાગણી પ્રસરી
હજુ થોડા સમય પૂર્વે જ પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા ગીર સોમનાથના ઉના તાલુકાના એક માછીમારનો મૃતદેહ માદરે વતન આવ્યો હતો, જેના શોકમાંથી હજુ માછીમાર સમાજ ઊભરીને બહાર આવી શક્યો નથી. એવા સમયે પાકિસ્તાનની જેલમાં વધુ એક માછીમારનું મૃત્યુ અને એક માછીમાર ગંભીર રીતે બીમાર હોવાનું સામે આવતાં માછીમાર સમાજમાં શોક સાથે ચિંતાની લાગણી પ્રસરી છે. આ અંગે જેમને પાકિસ્તાનની જેલમાંથી ફોન આવેલો તે કોટડા ગામનાં વાલુબેને જણાવ્યું હતું કે પાકિસ્તાન જેલમાં પાંચેક વર્ષથી મારા બન્ને દીકરા કેદ છે. બે દિવસ પહેલાં મારા નાના દીકરાનો ફોન આવેલો કે આપણા ગામના જીતુ જીવાભાઈ બારિયાને એટેક આવી જતાં તેમનું મૃત્યુ થયું છે, જેની જાણ તેમનાં પરિવારજનોને કરી દેજો તેમજ આપણા જ ગામના રામજીભાઈ રાજાભાઈ ચાવડા બીમાર હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મૃતક જીતુભાઈ બારિયા.
મૃતક જીતુભાઈ બારિયા.

જમાઈનું મૃત્યુ, તો ભાણેજ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે
જ્યારે મૃતક માછીમારના સસરા પૂંજાભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે પાક જેલમાં મૃત્યુ પામેલા જીતુભાઈ મારા જમાઈ છે, જ્યારે ગંભીર રીતે બીમાર રામજીભાઈ મારો સગો ભાણેજ છે. આ સમાચારથી અમે ચિંતામાં છીએ અને ગુજરાતના વતની એવા દેશના પ્રધાનમંત્રી મોદી અમારા પરિવારજનનો મૃતદેહ વહેલી તકે ભારત લાવી આપે અને ત્યાંની જેલમાં કેદ 600થી વધુ ભારતીય માછીમારોને સત્વરે મુક્ત કરાવી દે એવી અમારી માગ છે.

પરિવારના બીજા સભ્યોને વહેલીતકે મુક્ત કરવા માગ.
પરિવારના બીજા સભ્યોને વહેલીતકે મુક્ત કરવા માગ.

માત્ર કોટડા ગામના જ 45 માછીમાર પાક જેલમાં કેદ
કેદ માછીમારના સંબંધી મંજુબેને જણાવ્યું હતું કે મારા દીકરા સહિત અમારા ગામના જ 45થી વધુ માછીમારો પાક. જેલમાં બંદીવાન છે, જે પૈકી ઘણા લોકો ચાર-પાંચ વર્ષથી બંદીવાન છે, જેઓ વહેલીતકે મુક્ત થાય એ માટે સ્થાનિક સ્તરે ઘણીવાર રજૂઆતો કરી તેમ છતાં કોઈ જવાબ મળતો નહોતો, જેથી અમે દરિયાઈપટ્ટીના લોકો ભેગા થઈને થોડા સમય પહેલાં દિલ્હી ગયા હતા. જ્યાં અમે ઉચ્ચ અધિકારીઓને મળીને ચાર-ચાર વર્ષથી પાક. જેલમાં બંદીવાન અમારાં દીકરા, સ્વજનોને છોડાવવા રજૂઆત કરી હતી. ત્યારે તેમણે સરકાર સમક્ષ અમારી વાત પહોંચાડીને જરૂરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજુ સુધી કંઈ થયું નથી.

સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો.
સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો.

ગીર સોમનાથ જિલ્લાના જ 431 માછીમાર પાક. જેલમાં કેદ
અત્રે ઉલ્લેખનીય છે કે પાક. જેલમાં વધુ એક ભારતીય માછીમારના મોત અને અન્ય એક માછીમાર બીમાર હોવાને લઈ કોટડા ગામના માછીમાર પરિવારો પર આભ ફાટ્યું હોય એમ ગામની મહિલાઓ હીબકે ચડી વલોપાત કરી રહી છે. પાકિસ્તાન જેલમાં કોટડા ગામના 44 માછીમાર કેદ હોવાથી સમગ્ર ગામ ચિંતિત બનીને સરકાર પાસે આશા રાખીને બેઠું છે કે સત્વરે તેમના માછીમારોને છોડાવી આપવામાં આવે. જોકે ગુજરાત સહિત દેશભરના 641 ભારતીય માછીમાર પાક. જેલમાં કેદ છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના જ 431 માછીમાર છે, જેમાં અનેક માછીમારો 4થી 5 વર્ષથી પાક. જેલમાં કેદ હોવાથી તેઓ વહેલીતકે છૂટીને પરત માદરે વતન આવે એવી લોકો માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...