વેરાવળમાં ભોઈ સમાજ દ્વારા દર વર્ષે હોલીકા ઉત્સવમાં ભૈરવનાથ દાદાની 30 ફુટ ઉંચી પ્રતિમા બનાવાય છે. જેના દર્શનાર્થે વેરાવળ – પ્ર.પાટણ તથા આજુબાજુના ગ્રામીણ વિસ્તારોના હજારો લોકો ઉમટી પડે છે. કાળભૈરવનાથ ભગવાન શંકરનું જ દિગંબર સ્વરૂપ હોય અને વેરાવળમાં વસતા ભોઈ સમાજ દ્વારા આ પ્રસંગને ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 માર્ચને રવિવારના રોજ ભોઈ સમાજ દ્વારા હોલીકા ઉત્સવ નિમીતે પથ્થર, માટી તથા કુદરતી વસ્તુઓથી ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવાની શરૂઆત કરાશે અને 6 માર્ચને સોમવારનાં રોજ સવારથી દર્શન માટે ખુલ્લી મુકાશે.
જેના દર્શન માટે હજારો દર્શનાર્થીઓ ઉમટી પડશે. જેમા ઘણા લોકો ભૈરવનાથ દાદાની વિવિધ માનતા માને છે અને દાદા સૌની માનતા પૂર્ણ કરે છે. જે લોકોની માનતા પુરી થાય તે લોકો ઢોલ, શરણાઈ અને પતાસાનો હાયડા સાથે સહપરિવાર અને મિત્ર મંડળ સાથે દાદાના દર્શન કરવા આવ છે. આશરે 130 વર્ષ પૂર્વે ફાનસ યુગથી વેરાવળમાં હોળી અને ધુળેટીના તહેવાર નિમીતે ભોઈ સમાજ દ્વારા ભેરવનાથ દાદાની પ્રતિમા બનાવાઈ છે. જે પરંપરા ઉત્તરોત્તર પેઢીઓએ જાળવી રાખી છે. હાલ આધુનિક યુગમાં સમાજના યુવાનો દ્વારા આ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરાય છે.
ઉત્સવને લઈ અલગ અલગ કામ માટે યુવાનો દ્વારા ટીમો તૈયાર કરાય છે. અને હોળીના આગલા દિવસથી દાદાની પ્રતિમા બનાવવા વાળી ટીમ 30 ફૂટની ઉંચાઈ ધરાવતી પ્રતિમા બનાવવાનો પ્રારંભ કરે છે. જે તૈયાર થયા બાદ સજાવવા વાળી ટીમ દ્વારા રંગબેરંગી ચમકતા કાગળોથી શણગારવામાં આવે છે. હોળીના દિવસે સવારથી ભૈરવનાથ દાદાની પ્રતિમાને દર્શન માટે ખુલ્લી મુકાય છે. જેના દર્શન કરી લોકો ધન્યતાનો અનુભવ કરે છે. અને શ્રદ્ધાળુઓ વાજતે ગાજતે દાદાની માનતા પુર્ણ કરવા આવે છે અને જે લોકોને શેરમાટીની ખોટ છે.
તેવા પરીવાર આસ્થા સાથે માનતા રાખે છે. તેમજ સમગ્ર વિસ્તારને રોસનીથી શણગારવામાં આવે છે તેમજ ઠેર ઠેર શરબત અને પ્રસાદીના સ્ટોલ રાખવામાં આવે છે. તેમજ પોલીસ સ્ટાફનો પણ પુરતો સહયોગ મળી રહે છે. ભોઈ સમાજનાં પ્રમુખ હરગોવિંદ તુલસીદાસ વાજા, ઉપપ્રમુખ હસમુખભાઈ કાનજીભાઈ ડોલરીયા દ્વારા જણાવાયું છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ ગ્રુપ મંડળોને સમાજની આગેવાની હેઠળ કામગીરી સોંપાઈ છે અને આ વર્ષે પણ હોલિકા ઉત્સવ મનાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.