પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી:વેરાવળમાં 83 વર્ષિય વૃદ્ધા માનસિક ટેન્શનને લઈને દરિયામાં કૂદવા પહોંચ્યા; ફરજ પરના હોમગાર્ડનું ધ્યાન જતાં બચાવી લેવાયાં

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

વેરાવળના ચોપાટીના દરિયામાં 83 વર્ષીય વૃદ્ધ મહિલા આપઘાત કરવા જઈ રહ્યા હતા. તે સમયે ત્યાં ફરજ પરના હોમગાર્ડ જવાનોએ સતર્કતા દાખવી વૃદ્ધાને અટકાવીને બચાવી લીધા હતા. બાદમાં પોલીસે આપઘાતનું કારણ જાણીને પારિવારિક ઝગડાનું નિવારણ લાવી પરિવાર સાથે મિલન કરાવ્યાની ઉત્તમ ફરજ હોમગાર્ડ જવાનો અને પોલીસ સ્ટાફે અદા કરી હતી.

વૃદ્ધ મહિલાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે લઈ અવાયાં
પોલીસ સ્ટાફ પ્રજાની મિત્ર હોવાના સૂત્રને વેરાવળ પોલીસે સાર્થક કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેની પ્રાપ્ત વિગતોનુસાર એક દિવસ પૂર્વે વેરાવળ ચોપાટી ખાતે હોમગાર્ડ જવાન વિજયસિંહ મકવાણા, અલ્તાફ કાદરભાઇ તથા દિનેશ લખમણભાઇ ફરજ બજાવી રહ્યા હતા. એ સમયે એક વૃદ્ધ મહિલા ચોપાટીના દરિયામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હતી. તે ધ્યાને આવતાં ત્વરીત ત્રણેય જવાનોએ દોડી જઈ વૃદ્ધાને આત્મહત્યાનો પ્રયાસ કરતા રોકીને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે સમજતા ન હતા. જેથી જવાનોએ વેરાવળ સીટી પોલીસને જાણ કરતાં પોલીસ ચોકીએ જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ સંજય લખમણભાઇ, વિજય સરમણભાઇ તુરંત જ ચોપાટી ખાતે દોડી ગયા હતા. ત્યાંથી આશરે 83 વર્ષના આ વૃદ્ધ મહિલાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા.

પરિવાર સાથે મિલન કરાવ્યાની ફરજ પોલીસ સ્ટાફે અદા કરી
બાદમાં પોલીસ સ્ટાફે વૃદ્ધ મહિલાને આત્મહત્યા કરવાના પ્રયાસનું કારણ પુછતાં તેમણે ઘરે પારિવારિક કૌટુંબિક ઝઘડાઓ થતા હોવાથી માનસિક ટેન્શનમાં આવી જઈને આ પગલું ભર્યુ હોવાનું જણાવ્યું હતું. જે કારણ જાણીને સીટી પીઆઈ એસ.એમ. ઈશરાણીએ વૃદ્ધ મહિલાના પુત્રને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેઓની હાજરીમાં સમજાવટ કરીને કૌટુંબિક ઝઘડાનું નિરાકરણ લાવ્યા હતા. બાદમાં જીવનનું મહત્વ સમજાવી 83 વર્ષીય વૃદ્ધાનું તેમના પરીવાર સાથે સુખદ મિલન કરાવી ફરજ સાથે માનવતાનું ઉમદા ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી પ્રસંશનીય કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...