વેરાવળ-કોડીનાર હાઇવે ઉપર વાહન ચેકીંગ કરી રહેલા પોલીસ સ્ટાફે કોડીનાર તરફથી પૂરપાટ આવતી બોલેરો પીકઅપ વાહનને રોકાવી તલાસી કરતાં તેમાંથી સાત જેટલા અબોલ પશુઓને ક્રૃરતા પૂર્વક દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવતા તમામને મુકત કરાવી વાહન ચાલકની પોલીસે અટક કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે સુત્રાપાડા પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ, ગઈકાલે સાંજે હે.કો. રોહીતભાઇ ચાવડા સહિતનો સ્ટાફ વેરાવળ-કોડીનાર હાઇવે રોડ ઉપર વાહનોનું ચેકીંગ કરી રહ્યો હતો. તે સમયે કોડીનાર તરફથી આવી રહેલા બોલેરો પીકઅપ વાહનનો ચાલક માનવ જીંદગી જોખમાય તે રીતે પૂરપાટ રીતે પોતાનું વાહન ચલાવતો હતો. તેથી તેને રોકાવી વાહનની તલાસી લેતાં વાહનની પાછળના ભાગે કેરીયરમાં લાકડાના પાટીયા ફીટ કરેલા હતા અને જે પાટીયાઓ હટાવતા એક પાડી તથા છ પશુઓ મળી કુલ સાત અબોલ પશુઓને ખીચોખીચ ક્રૃરતાભરી રીતે દોરડા વડે બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા.
જેથી તમામ અબોલ પશુઓને તાત્કાલીક મુકત કરાવ્યા બાદમાં બોલેરોના ચાલક ભીખા વલીભાઇ ચૌહાણને પશુઓ બાબતે પુછપરછ કરતાં તે કોઇ આધાર-પુરાવા કે સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. જેથી વાહન ચાલકની અટક કરી પ્રાણી તરફ ઘાતકી વર્તન અટકાવવાનો કાયદો 1960ની કલમ 11 (ડી) તથા પૂરપાટ જોખમી રીતે વાહન ચલાવવા અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, વેરાવળ સોમનાથ પંથકમાં અબોલ પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરી કતલખાને ધકેલાતા હોવાની અનેકવાર હિન્દુ સંગઠનોએ ફરીયાદ કરી છે. તો પોલીસ પણ આવી ગેયકાયદેસર હેરાફેરીને અટકાવી અબોલ પશુઓને બચાવવા દિવસ-રાત પેટ્રોલિંગ કરી કામગીરી કરી રહી છે. એવા સમયે અબોલ પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને ક્યાં લઈ જવાતા હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.