4.51 કરોડનું ચરસ જપ્ત!:સોમનાથના દરિયાકિનારે સર્ચ ઓપરેશનમાં 301 કિલો 195 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો, પોલીસે NDPS એકટ હેઠળ ગુનો નોંધ્યો

ગીર સોમનાથ (વેરાવળ)12 દિવસ પહેલા
  • પોલીસને મળી આવેલા 273 પેકેટોમાં 301 કિલો ચરસની બજાર કિંમત 4 કરોડ 51 લાખથી વધુ

ગીર સોમનાથ જિલ્લાના દરીયાકાંઠે ત્રણ દિવસ સુધી ચાલેલ સર્ચ ઓપરેશનમાં 301 કિલો અને 195 ગ્રામ ચરસનો જથ્થો પોલીસને મળી આવ્યો છે. આ જથ્થાની બજારમાં 4 કરોડ અને 51 લાખ જેવી કિંમત થાય છે. આ મામલે પોલીસે NDPS એકટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. હાલ હજુ પણ જિલ્લાના દરીયાકાંઠે SOG સહિતની પોલીસ ટીમો સઘન તપાસ કરી રહી છે.

દરીયાકાંઠે ત્રણ દિવસ સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું
ગત મંગળવારે જુનાગઢના માંગરોળ દરીયાકાંઠેથી નશીલા પદાર્થો મળ્યા હતા. જેના પગલે બુધવાર સવારથી સંવેદનશીલ ગણાતા ગીર સોમનાથ જિલ્લાના લાંબા દરીયાકાંઠે જિલ્લા પોલીસની બ્રાન્ચો સહિતની 10 ટીમોએ તપાસ શરૂ કરી હતી. જેમાં જિલ્લાના દરીયાકાંઠે ત્રણ દિવસ સુધી ચાલેલ સર્ચ ઓપરેશનમાં વેરાવળ નજીકના આદરી, વડોદરા ડોડીયા, વેરાવળ ચોપાટી, સોમનાથના ત્રિવેણી સંગમ સામેના, લાટીના, સુત્રાપાડા બંદર, ધામળેજના દરિયાકિનારાના વિસ્તારોમાંથી બિનવારસુ હાલતમાં શંકાસ્પદ નશીલા પદાર્થોના 273 પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટોમાં રહેલા જથ્થાનો વજન કરાવતા 301 કિલો અને 195 ગ્રામ હોવાનું સામે આવ્યું હતુ. આ શંકાસ્પદ જથ્થાનું FSL પાસે પરીક્ષણ કરાવતા ચરસ હોવાનું સામે આવ્યુ હતુ. આ જથ્થાની બજાર કિંમત 4 કરોડ અને 51 લાખ જેવી થાય છે.

સુરક્ષા એજન્સીના ડરથી પેકેટ દરીયામાં ફેંક્યા
આ મામલે SOG પીએસઆઈ મારૂએ સોમનાથ મરીન પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ આપી છે. જેમાં જણાવેલ કે, ગીર સોમનાથના દરીયામાં અજાણ્યા શખ્સો ભારતના યુવાધનને બરબાદ કરવા માટેના બદ ઇરાદાથી દરીયાઇ માર્ગે ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ચરસનો જથ્થો લાવતી વખતે દરીયાઇ સુરક્ષા એજન્સીના ડરથી દરીયામાં ફેંકી દેતા દરીયાઇ પ્રવાહ સાથે દરીયાકાંઠે તણાઇ આવીને જિલ્લાના આદ્રી દરીયા કિનારે તેમજ જુદી જુદી જગ્યાએથી માદક પદાર્થ ચરસ રાખેલ પેકેટો સફેદ બાચકાઓમાં તેમજ છુટા છવાયા મળેલ હતા. જે ઘેરા લીલા જેવા રંગની પ્લાસ્ટીકની કોથળીઓમાં અકબંધ તેમજ તુટેલી હાલતમાં મળી આવેલ છે. જેના ઉપર અંગ્રેજીમાં EST D 1896 NABOB COFFEECO વગેરે લખાણ લખેલ પેકેટ નંગ- 267 તથા અન્ય લાલ બ્લુ કલરના પેકેટ ઉપર અંગ્રેજીમાં ULTJE KESSEL NUSSE, PAPRICA છાપકામ રેપર વાળા લખેલ પેકેટ નંગ-6 મળી ચરસ માદક પદાર્થના કુલ પેકેટો-273 જેનું કુલ વજન 3,01,195 ગ્રામ છે. આ તમામ પેકેટમાં રહેલ માદક પદાર્થ ચરસની કુલ કિં.રૂ. 4,51,79,250 જેવી થાય છે. આ મામલે અજાણ્યા શખ્સો સામે NDPS એકટની કલમો 8(સી),20(બી), 22(સી) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, ઇતિહાસમાં પ્રથમ વખત સોમનાથના દરિયાકિનારેથી નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે અનેક સવાલો ઉભા થયા છે. કેમ કે અત્યાર સુધી કચ્છ અને ક્યારેક જામનગરના દરિયાકાંઠા વિસ્તારો ના માર્ગે મારફત ડ્રગ માફિયાઓ નશીલા પદાર્થો ઘુસાડવાની પેરવી કરતા હતા. જો કે પ્રથમ વખત સોમનાથના દરીયાકાંઠે મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. આ મામલાના મુળ સુધી પહોંચી હક્કીતો જાણવા ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...