તુલસી કારીયા
ગીર સોમનાથ જિલ્લાના ત્રણ બંદરો વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 800 કરોડથી વધુનો ખર્ચ કરાશે. જેમાં જિલ્લાના સૌથી મોખરે વેરાવળ બંદરને વિકસાવી 4500 બોટના પાર્કિંગ સહિતની પૂરતી સુવિધાઓ સાથે ફેસ-2ની કામગીરી માટે 226 કરોડનો ખર્ચ કરી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
વેરાવળથી 13કિમી દૂર સુત્રાપાડા નવું બંદર 358 કરોડનો ખર્ચ કરી 1200 બોટને પૂરતી સુવિધાઓ મળે તે રીતે વિકસાવવામાં આવશે. ઉપરાંત વેરાવળ બંદરથી 75 કિમી દૂર 1000 બોટની ક્ષમતા સાથે પૂરતી સુવિધાઓ સાથેનું માઢવાડ બંદર 250 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.
આ ત્રણેય બંદરો લગભગ આવનારા 3 વર્ષ સુધી તૈયાર થશે અને જેના પરિણામે માછીમારોને પૂરતી સુવિધાઓ મળી રહેશે, બોટ પાર્કિગની સમસ્યા દૂર થશે અને ખાસી એવી રોજગારીની તકો પણ મળી રહેશે. આ બંદરનો વિકાસ થતાં જ અહિંયા બહોળા પ્રમાણમાં રોજગારીની તકો માં પણ વધારો થઇ શકે છે.
માઢવાડ- સુત્રાપાડા બંદરને પણ વિશેષ સુવિધા મળશે
વેરાવળ બંદરની સાથે સુત્રાપાડા તેમજ માઢવાડ બંદરના વિકાસને લઈ પણ કામગીરી હાથ ધરાશે. જેથી બંદર પર વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વેરાવળ બંદરમાં આવી હશે સુવિધાઓ
1. દરિયાઈ સુવિધાઓ : સંરક્ષણ અને આશ્રય માટે દરિયાકાંઠાના માળખાં જેમ કે બ્રેકવોટર ગ્રોઈન, રેવેટમેન્ટ, હાર્બર પ્રવેશ- હાર્બર બેસિન- સંરક્ષિત એન્કરેજ બેસિન - નેવિગેશન એડ્સ, લેન્ડિંગ ક્વે- બર્થીંગ ક્વે- આઉટફિટિંગ ક્વે- સમારકામ ક્વે- સ્લિપવે.
2.જમીન બાજુની સુવિધાઓ : ઓક્શન હોલ, આઈસ પ્લાન્ટ્સ અને કોલ્ડ સ્ટોરેજ -ગિયર શેડ, નેટ મેન્ડિંગ શેડ, સર્વિસ સ્ટેશન, બોટ બિલ્ડિંગ યાર્ડ, સંચાર સેવાઓ, સેન્ટર કોમ્યુનિકેશન અને રેડિયો સ્ટેશન, વહીવટી કચેરી, ઇંધણ સ્ટેશન, એપ્રોચ રોડ અને આંતરિક ફૂટ પાથ, તાજા પાણીનો પુરવઠો અને ડ્રેનેજ-ગટર, વિદ્યુત પુરવઠો અને વિતરણ (સબસ્ટેશન, હાઇ માસ લાઇટ્સ અને સ્ટ્રીટ લાઇટ્સ), પાર્કિંગની સુવિધા, રેસ્ટોરન્ટ અને શૌચાલય, ઝેરી કચરો સંગ્રહ શેડ, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હાર્બર સુરક્ષા (કમ્પોન્ડ વોલ, ગેટ, સિક્યુરિટી હાઉસ), નાગરિક સુવિધાઓ, હરિયાળી અને લેન્ડસ્કેપિંગ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.