સુરક્ષાની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ ગણાતા એવા ગીર સોમનાથ જિલ્લાના દરીયાકાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થોના 160 જેટલા શંકાસ્પદ પેકેટો મળી આવ્યા છે. આ પેકેટોમાં રહેલ જથ્થાની તપાસ અર્થે પોલીસે FSLની મદદ લીધી છે. જિલ્લાના દરીયાકાંઠાના વિસ્તારોમાં જિલ્લાની SOG, LCB, મરીન તથા સ્થાનીક પોલીસની ટીમોએ દિવસભર સર્ચ ઓપરેશન હાથ ધરેલ જે આવતીકાલે પણ ચાલુ રહેશે.
10 ટીમોએ દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ
ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી મળી આવેલ નશીલા પદાર્થના મામલે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવેલ કે, ગતરાત્રીના નજીકના માંગરોળના દરીયાકાંઠેથી નશીલા પદાર્થના પેકેટો મળી આવ્યા હતા. જેથી અડીને આવેલા ગીર સોમનાથ જિલ્લાના દરીયા કાંઠે પણ મળવાની સંભાવનાને ધ્યાને લઇ સર્ચ ઓપરેશન કરવાનું નક્કી કર્યુ હતુ. જેમાં ASP ઓમપ્રકાશ જાટના નેતૃત્વમાં SOGના PI વી.એલ.સોનારા, LCBના કે.જે.ચૌહાણ, મરીનના પીઆઈ એન.જી.વાઘેલા સહિત સ્થાનીક પોલીસની 10 ટીમોએ જિલ્લાના દરીયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
પેકેટોમાં શુ છે તે જાણવા FSLની મદદ લેવાઈ
વધુમાં SP મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, દિવસભરના સર્ચ ઓપરેશનમાં વેરાવળના આદરીથી સોમનાથના લાટી સુધીના દરીયા કિનારાના વિસ્તારોમાંથી જુદા-જુદા સ્થળોએથી 160 જેટલા શંકાસ્પદ પેકેટો મળી આવ્યા છે. આ તમામ પેકેટો 1-1 કિલોના છે અને તેમાં રહેલ જથ્થો ચરસ હોવાની શક્યતા છે. જે ખાત્રી કરવા માટે FSLની મદદ લેવામાં આવી છે. જો આ જથ્થો ચરસ હોય તો તેની બજાર કિંમત 2.5 કરોડ આસપાસ થાય છે. આ તમામ પેકેટો ઉપર પાકિસ્તાનની સુગત મિલનો મારકો હોવાનું જાણવા મળેલ છે. હાલ પણ જિલ્લાના 70 કીમી લાંબા કોસ્ટલ કાંઠા ઉપર પોલીસની 10 ટીમો સઘન પેટ્રોલીંગ સાથે ચેકીંગ કરી રહી છે.
સુરક્ષા એજન્સીઓ સતર્ક
અત્રે નોંધનીય છે કે, ઝેડપ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરના દરીયા કિનારાના વિસ્તારમાંથી મળી આવેલા નશીલા પદાર્થોના પેકેટોના મામલે સ્થાનીક જિલ્લા પોલીસ ATS ના સંકલનમાં રહી તપાસ આગળ વધારી રહી છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલો અનેક ઘટસ્ફોટ થવાની શકયતા પણ વર્તાઈ રહી છે. જેને લઈ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.