ધરતીપુત્રોમાં રોષ:ફોરટ્રેકનાં કામથી પાક નિષ્ફળ : સર્વે થયો, ખેડૂતોને વળતર ન ચૂકવાયું !!

ડોળાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇવે ઓથોરિટીએ સર્વે કર્યા બાદ હાથ અધ્ધર કરી દીધા,માલગામના ધરતીપુત્રોમાં રોષ

કોડીનારનાં માલગામ નજીક હાઈવે રોડને અડીને આવેલી જમીનમાં ફોરટ્રેક રોડની કામગીરી દરમિયાન સતત ઉડતી ધૂળની ડમરીઓથી 2 વર્ષથી પાક નિષ્ફળ ગયો હતો. જે બાબતે ખેડૂતે જવાબદાર અધિકારીઓને રજૂઆત કરતા જમીનનો સર્વે કરાયો હતો. પરંતુ બાદમાં કોઈ કાર્યવાહી ન થતા આ ખેડૂતે ગ્રાહક સુરક્ષા મંડળ કોડીનાર મારફત રજૂઆત કરી છે.

મળતી વિગત મુજબ, માલગામના ખેડૂત નારણભાઈ ભીખાભાઈ કછોટની જમીન માલગામ પાસે શાંગાવાડી નદીની પૂર્વ દિશામાં હાઈવેને અડીને આવેલી છે. અને છેલ્લા ચાર વર્ષથી ફોરટ્રેક રોડનુ કામ ચાલુ હોય જમીનની નજીક કાચું ડ્રાઈવર્ઝન મુકાયું હતું. આ રોડ પરથી સતત ભારેખમ વાહનો પસાર થઈ રહ્યા હોય ધૂળની ડમરીઓ ઉડતી હતી. જેથી નારણભાઈની જમીનમાં કરેલ વાવેતર પર ધૂળના થર જામી જતા હતા.

જેને લઈ સતત બે વર્ષથી પાક નિષ્ફળ ગયો હતો. જેના વળતર માટે હાઈવે ઓથોરિટીએ આશ્વાસન આપ્યું હતું પણ હજુ સુધી ન ચૂકવાતા આખરે ખેડૂત નારણભાઈએ કોડીનાર ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. અત્રે નોંધનીય એ છે કે, આ ડાયવર્ઝનના કારણે ઉડતી ધૂળથી અન્ય ત્રણ થી ચાર ખેડૂતોને પણ આર્થિક નુકસાન થયું હોય ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...