માસૂમ સાથે હેવાનિયત:કોડીનારના જંત્રાખડી ગામે 8 વર્ષની બાળકીને ઘરમાં બોલાવી મોઢે ડૂચો દઈ દુષ્કર્મ આચર્યું; ઘટનાસ્થળે જ મોત થયું

ડોળાસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી શામજી. - Divya Bhaskar
આરોપી શામજી.
  • કોડીનારના જંત્રાખડી ગામની હૈયું હચમચાવતી ઘટના: આરોપીને પોલીસે ઝડપી લીધો

કોડીનાર તાલુકાના નાનાએવા જાંત્રાખડી ગામમાં હૈયું હચમચાવી નાખતી ભયંકર ઘટના બની ગઇ હતી. માત્ર 8 વર્ષની કૂમળી વયની બાળા પર નરાધમે એવી રીતે પાશવી દુષ્કર્મ આચર્યું હતું કે તે અત્યાચાર વખતે જ મોતને ભેટી હતી. બનાવ બાદ એ નરાધમે બાળાની લાશને ગામના ઝાંપાની બહાર અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી. બનાવને પગલે લોકોમાં આરોપી પ્રત્યે ભારે ધિક્કારની લાગણી છવાઇ ગઇ છે. બનાવને પગલે એસપી જંત્રાખડી દોડી ગયા હતા. પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

બીડી-બાકસ લેવા ગામમાં મોકલી
કોડીનાર તાલુકાના જાંત્રખાડી ગામના એક પરિવારમાં પતિ બહારગામ રહે છે અને પત્ની મજૂરી કરે છે. આજે એ પરિવારની 8 વર્ષીય બાળકીની માતા રામરોટી લેવા ગઇ હતી. ત્યારે સવારે 10 વાગ્યે પાડોશીએ બાળકીને ગામમાં સેવ લેવા મોકલી હતી. રસ્તામાં શામજી ભીમા સોલંકીનું ઘર આવે છે. આથી શામજીએ પણ બાળકીને પૈસા આપી પોતાના માટે બીડી-બાકસ મગાવ્યા હતા. બજારમાંથી આ બધી વસ્તુ લઈ બાળકી પરત ફરતી વખતે શામજીના ઘરમાં બીડી-બાકસ દેવા ગઇ હતી. શામજી એ વખતે પોતાના ઘરમાં એકલો જ હતો.

લાશને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી
8 વર્ષની માસૂમ બાળાને જોતાં તે હેવાન બની ગયો હતો. તેણે બાળકીને ઘરમાં ખેંચી જઇ દરવાજો બંધ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં કોઈને જાણ ન થાય એ માટે તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી લાશને કોથળામાં ભરી જંત્રાખડી 66 કેવી સામે પાળાની પાછળ અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. પછી પોતે ઘેર જઇને નિરાંતે સૂઇ ગયો હતો. બીજી તરફ બાળકીની માતા રામરોટી લઈ ઘેર આવી, પણ પુત્રીને ન જોતાં તેમણે પાડોશીને ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેને સેવ લેવા મોકલી હતી પણ તે હજુ સુધી આવી નથી.

આરોપીની પત્ની રિસામણે ગઈ હતી
આથી શોધખોળ શરૂ થતાં થોડીવારમાં જ ખબર પડી ગઈ હતી કે તેની લાશ 66 કેવી સામે પડી છે. જાણવા મળ્યા મુજબ, નરાધમ શામજી માચ્છીમારીનો વ્યવસાય કરે છે અને બે સંતાનોનો પિતા છે, પણ દારૂ પી ઘરમાં ધમાલ કરતો હોવાથી તેની પત્ની કેટલાક સમયથી રિસામણે છે. બનાવ અંગે ગામલોકોએ કોડીનાર પોલીસમાં જાણ કરતાં કોડીનાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બનાવની ગંભીરતાને લઇ એએસપી ઓમપ્રકાશ જાટ જાતે તપાસ માટે જંત્રાખડી દોડી આવ્યા હતા અને આરોપીને ઝડપી લીધો હતો. પંચનામું કરી બાળકીની લાશને કોડીનાર પીએમ માટે લઈ જવાયો હતો. જ્યાં મામલાની ગંભીરતાને લઇ જામનગર ખાતે પેનલ પીએમ માટે મોકલી અપાયો હતો.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
પોલીસે એફએસએલને બોલાવી આરોપીના ઘરમાંથી પુરાવાનો નાશ ન થાય એ માટે તેને સીલ કરી દીધું હતું. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા પણ સાંજે જંત્રાખડી દોડી ગયા હતા અને તપાસની વિગતો મેળવી આરોપીની પૂછપરછ કરી હતી. દરમિયાન નરાધમ શામજીને દાખલારૂપ સજા મળે એવી માગણી ઊઠી છે. આ બનાવને પગલે ગામલોકોમાં આરોપી પ્રત્યે ભારોભાર ધિક્કારની લાગણી છવાઇ ગઇ હતી. શામજીએ બાળકી પર દુષ્કર્મ આચરતી વખતે તે ચીસો ન પાડે એ માટે મોઢે ડૂમો દઇ દીધો હતો. આથી તેના મોઢામાંથી ઊલટી બહાર ન આવી હોવાથી અને કુદરતી હાજત થઇ ગઇ હોવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હોઇ શકે એવું મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...