કાર્યવાહી:ઝુંડાલ કલ્પતરુ મિલેનિયમ પાર્કમાં માવાની માથાકૂટ પોલીસ મથકે પહોંચી

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડોશી મહિલાએ કેમ માવો થૂંકે છે કહેતાં બબાલ થઈ હતી
  • 3 લોકોએ યુવક સાથે ઝપાઝપી કરતાં ફરિયાદ નોંધાઈ

ઝુંડાલમા આવેલી કલ્પતરુ મિલેનિયમ પાર્કમા રહેતા બે પડોશી વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઇ હતી. યુવક માવો ખાઇને ઘરનો દરવાજો ખોલી થૂંકવા જતા પડોશી મહિલાએ ટોક્યો હતો. સામે યુવકના પિતાએ પણ તમે કેમ આ મકાને આવીને બેઠા છો કહેતા બંને વચ્ચે મારામારી થઇ હતી. જેમા ત્રણ લોકોએ યુવક સાથે ઝપાઝપી કરતા મામલો અડાલજ પોલીસ મથકે પહોંચ્યો હતો. 3 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

સોમાભાઇ હિરાભાઇ મકવાણા (રહે, મિલેનિયમ પાર્ક, ઝુંડાલ)એ ફરિયાદ નોંધાવી હતી કે, હુ મારા ઘરે નિવૃત જીવન વિતાવુ છુ. જ્યારે મારો દિકરો ભરત કામઅર્થે જઇને ઘરે આવ્યો હતો અને હાથ મો ધોઇને પાછળનો દરવાજો ખોલીને માવો ખાધેલો થૂંકવા જઇ રહ્યો હતો. તે દરમિયાન બી1 97મા રહેતા જશીબેન ભરતભાઇ અમારા મકાનની બાજુમા રહેતા સી84મા આવ્યા હતા. તે સમયે ભરતને જોઇ જતા કહેવા લાગ્યા હતા કે, ભરત કેમ પાછળનો દરવાજો ખોલી મસાલો થૂંકે છે, સામે પિતાએ પણ કહ્યુ હતુ કે, તમે કેમ આ મકાને આવીને બેઠા છો ?.તેમ કહેતાની સાથે ઉશ્કેરાઇ ગયા હતા અને મનફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.

બબાલની જાણ થતા મહિલાના પતિ ભરતભાઇ, જશુભાઇ અને જીગાભાઇ દોડી આવ્યા હતા. મનફાવે તેમ ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેમા મારો દિકરો ભરત અને તેની પત્નિ માધુરી અને મને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેમા ભરતને પત્થર મારતા કપાળમાં ઇજાઓ થઇ હતી. જ્યારે તમો મકાન સામે આવેલા લીંમડા નીચે ખાટલો ઢાળીને કેમ બેસી રહો છો ?, તમને જીવતા નહિ રહેવા દઇએ, તેવી ધમકીઓ અપાઈ હતી. બબાલને લઇને સોસાયટીના લોકો એકઠા થઇ જતા આરોપીઓ ભાગી ગયા હતા, જ્યારે અમને ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...