અંતે જામીન મળ્યા:પોલીસ ઉપર ગાડી ચઢાવી હત્યાનો પ્રયાસ કરનાર યુવરાજસિંહને ગાંધીનગરમાં નહીં આવવાની શરતે જામીન મંજૂર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 હજારના બોન્ડની સાથે ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં ન પ્રવેશવાની શરતે જામીન મંજૂર
  • કોર્ટની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની બહાર પણ જઈ શકશે નહીં

ગાંધીનગરમાં વિદ્યા સહાયકોનાં સમર્થનમાં એસપી કચેરીએ જઈ ટોળાને ઉશ્કેરી પોલીસ પર ગાડી ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ગાંધીનગર કોર્ટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનાં જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, યુવરાજસિંહને 15 હજારના બોન્ડની સાથોસાથ ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં નહીં પ્રવેશવાની શરતે કોર્ટે જામીન મંજૂર કર્યા છે.

ગાંધીનગર કોર્ટમાં જામીન અરજી ફાઈલ કરવામાં આવી હતી
ગાંધીનગરમાં વિદ્યા સહાયકોનાં આંદોલનમાં જઈ પોલીસને ગાડી નીચે કચડી નાખવાના ગુનામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને જેલ વાસ ભોગવવાનો વખત આવ્યો હતો. ત્યારે ગાંધીનગર કોર્ટમાં યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી ફાઈલ કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલોના અંતે કોર્ટે આજના દિવસ ઉપર ચુકાદો મુલત્વી રાખવામાં આવ્યો હતો.

યુવરાજસિંહ પર 307 કલમ લગાવવામાં આવી છે ​​​​
આ પ્રકરણમાં સરકારી વકીલ દ્વારા ગાંધીનગર કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, લોકશાહીમાં આંદોલન કરવાની પદ્ધતિ હોય છે. એ પદ્ધતિને અનુસરીને આંદોલન કરવા જોઈએ. જ્યારે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોલીસ પર ગાડી ચલાવવાની કોશિશ કરવામાં આવી હતી. જેથી 307 કલમ લગાવી છે અને આ કેસમાં યુવરાજસિંહ જાડેજાને જામીન ન આપવા જોઇએ અને જો જામીન આપવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરની હદમાં પ્રવેશ ન કરવાની શરતના આધારે શરતી જામીન આપવા જોઇએ.

​​​​​​​બીજી તરફ યુવરાજ સિંહના વકીલે દલીલ કરી હતી કે, પોલીસ પર ગાડી ચડાવી હોય અને પોલીસ ઉપર હુમલો કર્યો હોય તો પોલીસ આ બાબતનો પુરાવો રજૂ કરે. જ્યારે પોલીસનો કોઈપણ જવાન હોસ્પિટલમાં દાખલ પણ નથી અને થોડીક પણ ઇજા થઇ નથી અને તેવા કેસમાં 307 ન દાખલ થઈ શકે. તેમજ કોર્ટમાં અલગ-અલગ કેસોના ચુકાદાઓને પણ ટાંકયા હતા. સાથે જ યુવરાજસિંહ જાડેજા ઉપર જે કેસ કર્યો છે તે ખોટો કેસ કર્યો છે જેથી જામીન આપવા જોઇએ તેવી દલીલ કરવામાં આવી હતી.

યુવરાજસિંહ ગુજરાતની બહાર જઈ શકશે નહીં
આમ બંને પક્ષે દલીલોને સાંભળીને આજે ગાંધીનગર કોર્ટે યુવરાજસિંહના શરતી જામીન મંજૂર કર્યા છે. યુવરાજ સિંહના વકીલે જણાવ્યું હતું, કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જેમાં ચાર્જશીટ ફાઈલ ના થાય ત્યાં સુધી યુવરાજસિંહ ગાંધીનગરમાં પ્રવેશી નહીં શકે. 15 હજારના જામીન તેમજ કોર્ટની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની બહાર પણ જઈ શકશે નહીં. કેસના તપાસ અધિકારીને પૂરતો સહયોગ આપવાની શરતે જામીન મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...