મોતની છલાંગ:દહેગામના કમાલબંધ વાસણા સબ કેનાલની સાયફનમાં યુવાને પડતુ મૂક્યું, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર તંત્ર - ગ્રામજનોએ ત્રણ ફાઇટર મૂકીને પાણી ઉલેચી લાશ બહાર કાઢી

દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલની સાયફનમાં ગઈકાલે સાંજના સમયે ગામના પરિણીત યુવાને ઝંપલાવ્યું હતું. જેનાં ફાયર તંત્ર, સરપંચ સહિતના ગ્રામજનોએ ત્રણ ફાઇટર મૂકીને સાયફનમાંથી પાણી ઉલેચી રાત્રે દોઢ વાગ્યાના અરસામાં યુવાનની લાશ બહાર કાઢી હતી. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગઈકાલે સાંજના છ વાગ્યાના અરસામાં યુવાને પડતું મુક્યું હતું
દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલની સાયફનમાં ગઈકાલે સાંજના છ વાગ્યાના અરસામાં ગામના આશરે 32 વર્ષીય દશરથ મનુભાઈ ડાભીએ દોડીને પડતું મુક્યું હતું. જેની જાણ થતાં ગામના સરપંચ સહીતના ગ્રામજનો સાયફન પર દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં દશરથનાં પત્ની સહિતના પરિવારજનો પણ પહોંચી ગયા હતા. અને રોકકળ મચાવી મૂકી હતી.

સાયફનમાં પાણી વધુ અને અંધારું પણ થઈ ગયું હતું
બાદમાં સાયફનમાં તપાસ કરતાં દશરથનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જેનાં પગલે બહીયલનાં તરવૈયાની ટીમને બોલાવવામાં હતી. આ ટીમ ઊંડા પાણીમાંથી પણ લાશ શોધી લાવવામાં માહેર છે. પણ ઘણું અંધારું થઈ જતાં આ ટીમે પણ લાશ કાઢવા માટે અસમર્થતા દર્શાવી હતી. કેમકે સાયફનમાં પાણી વધુ હતું અને અંધારું પણ વધારે થઈ ચૂક્યું હતું.

આખરે દહેગામ ફાયર બ્રિગેડનાં ફાયર ઓફિસર ટીમ સાથે પહોંચ્યા
આખરે દહેગામ ફાયર બ્રિગેડનાં ફાયર ઓફિસર સૂર્યોદયસિંહ રાઠોડ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સામાન્ય રીતે ફાયર બ્રિગેડ રાત્રીના સમયે રેસ્કયુ ઓપરેશન હાથ ધરતી નથી. પણ સમય સંજોગો જોતાં ફાયર ટીમે દશરથની શોધખોળ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં ગામના દોઢસો ગ્રામજનોએ પણ સાથ આપવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના બે ફાઇટર તેમજ સરપંચ દ્વારા એક બીજું એમ મળીને ત્રણ ફાયર ફાઇટર ગોઠવીને સાયફનમાંથી પાણી ઉલેચવાની શરૂઆત કરાઈ હતી. ત્યારે રાત્રીના દોઢેક વાગ્યા સુધી સાયફનમાંથી પાણી ઉલેચયાં પછી દશરથની લાશ બહાર કાઢવામાં આવી હતી.

બહીયલનાં તરવૈયાની ટીમે લાશ કાઢવાની ના પાડી: સરપંચ કલ્પેશસિંહ
આ અંગે ગામના સરપંચ કલ્પેશસિંહે વધુમાં જણાવ્યું હતું ,કે દશરથ સોપારી કટિંગનું કામ કરતો હતો. જેનાં પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. ગઈકાલે સાંજે છ વાગ્યાના આસપાસ દશરથ સાયફનમાં પડ્યો હતો. જેને ગ્રામજનો જોઈ ગયા હતા. બાદમાં બહીયલનાં તરવૈયાની ટીમને બોલાવી હતી. પણ પાણી વધુ હોવાથી તેમજ અંધારું થઈ જતાં તેમણે લાશ કાઢવાની ના પાડી હતી. આથી ફાયર ઓફિસર સૂર્યોદયસિંહ રાઠોડ તેમની ટીમ સાથે આવી ગયા હતા. અને સૌએ ભેગા મળીને રાત્રે દશરથની લાશ બહાર કાઢી હતી. જેનાં આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી. તેના ઘરમાં માતમ છવાયો હોવાથી વધુ જાણકારી મળી નથી. આ અંગે દહેગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...