મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો:ગાંધીનગરના કોબા સર્કલથી ચોરીના 30 મોબાઇલ ફોન સાથે યુવાન ઝડપાયો, અર્જન્ટ ફોન કરવાનું કહી ફોન લઈને ભાગી જતો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગરના કોબા સર્કલથી ચોરીનાં 30 મોબાઇલ સાથે અમદાવાદનાં યુવાનને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી કુલ રૂ. 1 લાખ 31 હજાર 500 નો મુદ્દામાલ જપ્ત કરી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ ચોર યુવાન અર્જન્ટ ફોન કરવાના બહાને લોકો પાસેથી મોબાઈલ ફોન લઈને ભાગી જતો હોવાનું એલસીબીની તપાસમાં ખુલવા પામ્યું છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ મથકોના ચોપડે મોબાઇલ ચોરીનાં ગુનાઓ દિન પ્રતિદિન નોંધાતા લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી.બી. વાળાએ બાતમીદારોને સક્રિય કરી અલગ અલગ ટીમોને સઘન પેટ્રોલીંગ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જેનાં પગલે સ્ટાફના માણસો અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, કોબા સર્કલથી બાલાપીર જતા અંબાપુર ગામના પાટીયા નજીક રોડ ઉપર એક ઈસમ શંકાસ્પદ હાલતમાં ઊભો છે.

જે બાતમીના પગલે એલસીબીની ટીમે ભાવેશ ગંગાદાસ ભરવાડ ( રહે. નાનુનગર, તલાવડીની પાસે, અસલાલી તા.દશકોઇ જી. અમદાવાદ, મુળ રહે. બોડીયા ગામ તા.રાણપુર જી. બોટાદ) ને દબોચી લેવામાં આવ્યો હતો. જેની પાસેની કપડાંની થેલીની તલાશી લેતાં અલગ અલગ કંપનીના 30 નંગ એન્ડ્રોઇ તથા કીપેડ વાળા મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

આ અંગે પીઆઈ વાળાએ ભાવેશની કડકાઈથી પૂછતાંછ હાથ ધરતાં તેણે કબુલાત કરેલી કે, છેલ્લા અઢી માસ દરમ્યાન નાના ચિલોડાથી મોટા ચિલોડા તરફ જતા રોડ , કોબા સર્કલથી બાલાપીર સર્કલ તરફ જતા રોડ તેમજ વૈષ્ણદેવી સર્કલથી અડાલજ તરફ જતા રોડ ઉપર ઉભેલા લોકોને તાત્કાલીક ફોન કરવાનું બહાનું કરીને મોબાઇલ લેતો હતો. બાદમાં તકનો લાભ ઉઠાવીને ભાગી જતો હતો. ત્યારે એલસીબી દ્વારા તેની પાસેથી 1 લાખ 31 હજાર 500 ની કિંમતના 30 નંગ મોબાઇલ ફોન જપ્ત કરી તેના ઈએમઆઈ નંબરનાં આધારે કોના કોના મોબાઇલ ફોન લૂંટાયા તેની મથામણ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...