રીટથી આશ્ચર્ય:2 વોર્ડમાં તમામ ઉમેદવારોની ફેરપ્રક્રિયા કરવા આપની રીટ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ 8 અને 9ના ઉમેદવારનાં મૃત્યુ થતાં એ જ ઉમેદવાર બદલવાના ચૂંટણી પંચના આદેશને હાઈકોર્ટમાં પડકારાયો
  • ​​​​​વોર્ડ નં. 8ના બસપાના જ્યારે વોર્ડ નં.9ના આપના ઉમેદવારનું મૃત્યુ થયું હતું
  • 18 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે રીટથી આશ્ચર્ય

ગાંધીનગર મહાનગરપાલિકાની 3 ઓક્ટોબરે ચૂંટણી છે. મોકૂફ રખાયેલી ચૂંટણીની ફરી જાહેરાત સમયે 2 ઉમેદવારના નિધન સામે આપ અને બસપાને નવા ઉમેદવારો ઊભા રાખવાની તક અપાઈ છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચના આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં બંને વોર્ડમાં તમામ પક્ષના ઉમેદવારી પત્રો ફરી ભરાવીને નવેસરથી પ્રક્રિયા હાથ ધરવા દાદ માંગવામાં આવી છે. અગાઉ 18 એપ્રિલે મતદાન થવાનું હતું. જોકે કોરોનાને પગલે ચૂંટણી મોકૂફ રખાઈ હતી.

જે બાદ કોરોના હળવો થતાં ચૂંટણી મોકૂફીના 118 દિવસ પછી ફરીથી રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી હતી. ચૂંટણીના હરીફ ઉમેદારોમાં 3 જેટલા ઉમેદવારનાં મોત થયાં હતાં, જેમાં વોર્ડ નં-9માં આપ જ્યારે વોર્ડ નં-8ના બસપાના ઉમેદવારનું મોત થયું હોવાથી બંને પક્ષને નવા ઉમેદવારો ઊભા રાખવાની તક અપાઈ છે. જોકે આપ દ્વારા માત્ર એક ઉમેદવાર નહીં પરંતુ આખા વોર્ડની પ્રક્રિયા નવેસરથી કરવા માંગ કરી છે. 18 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે તે પહેલાં જ આપ દ્વારા અરજી કરતાં આશ્ચર્ય સર્જાયું છે.

18 એપ્રિલ પછી 21 વર્ષના થયેલા યુવાનોને તક આપવા માંગ
આમ આદમી પાર્ટી દ્વારા પોતાની અરજીમાં બંને વોર્ડમાં તમામ ઉમેદવારોની પ્રક્રિયા નવેસરથી કરવાની સાથે મતદારો મુદ્દે પણ રજૂઆત કરી છે. જેમાં ચૂંટણી પ્રક્રિયા પાંચ મહિના કરતાં વધુ સમય માટે મોકૂફ રહી હતી. આ સમય દરમિયાન અનેક યુવાનો 21 વર્ષના થયા છે. જેથી 18 એપ્રિલ પછી જે યુવાનોની ઉંમર 21 વર્ષની થઈ હોય તેઓને મત આપવાની સાથે ઉમેદવારી નોંધવવા માટે પણ તક આપવા આમ આદમી પાર્ટીએ દાદ માંગી છે.

આપ અને બસપામાંથી એક પણ પક્ષે હજી સુધી ઉમેદવાર જાહેર નથી કર્યો
નવી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને બસપાને ઉમેદવારો ઉભા રાખવાની તક અપાઈ છે. જોકે બંનેમાંથી કોઈપણ પક્ષે હજુ સુધી પોતાનો કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યો. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નં-9માંથી જયશ્રીબેન નિકુલભાઈ વાઘેલાનું કોરોનાના કારણે જ્યારે વોર્ડ નં-8ના બસપાના ઉમેદવાર કિરીટભાઈ પરમારનું હ્યદયરોગના હુમલાથી મોત થયું હતું. તેમના સ્થાને હવે નવા ઉમેદવારો ઉભા રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...