ક્રાઇમ:સોશિયલ મીડિયા પર 6 માસ પહેલાં મળ્યા બીજે નક્કી થયાનું કહેતાં યુવકે સગીરાની હત્યા કરી

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિયાના યુવકે રાજસ્થાનના કોટામાં મેડિકલ સ્ટુડન્ટનું પથ્થર મારી મોત નીપજાવ્યું
  • આધાર કાર્ડ અને લાઇસન્સે ભેદ ઉકેલ્યો : SOGએ તપાસ કરીને યુવકને કોટા પોલીસને સોંપ્યો

સોશિયલ મીડિયામાં થયેલી મિત્રતા અનેક લોકો માટે જીવલેણ સાબિત થઈ છે ત્યારે ફરીથી સોશિયલ મીડિયાની મિત્રતાએ એક સગીરાનો જીવ લીધો છે. ગાંધીનગરના પ્રાંતિયા ગામના યુવકને કોટામાં મેડિકલની તૈયારી કરતી મૂળ છત્તીસગઢની 17 વર્ષીય વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ ગયો હતો.

6 મહિના પહેલાં જ પરિચયમાં આવેલી સગીરાને પ્રેમિકા સમજવાની ભૂલ કર્યા પછી તેને મળવા યુવક 515 કિલોમીટર દૂર કોટા ગયો હતો, જ્યાં પ્રેમિકાએ ‘મારે બીજા યુવક સાથે સગાઈ નક્કી થઈ ગઈ છે’ કહેતાં જ યુવકે મગજ પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને પ્રેમિકાના ગળા પર છરાના ઘા ઝીંક્યા અને મૉં ઉપર પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.ત્યારબાદ આરોપી બસમાં બેસી અમદાવાદ આવી ગયો હતો.

આ કેસમાં કોટા પોલીસે ગાંધીનગર એસઓજીને સાથે રાખી હત્યારાને પકડી રાજસ્થાન લઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ પ્રાંતિયા ગામમાં રહેતો 21 વર્ષીય કિશન વિનુજી ઠાકોરને કોટામાં આવેલી મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિની સાથે 6 મહિના પહેલાં ઇસ્ટાગ્રામ ઉપર સંપર્ક થયો હતો. ત્યાર બાદ બંને સમયાંતરે ચેટિંગ કરતા હતા. કિશન 4 જૂને વિદ્યાર્થિનીને મળવા રાજસ્થાનના કોટા ગયો હતો જ્યારે વિદ્યાર્થિની બીજા દિવસે 5 અને 6 જૂને યુવકને મળવા હોટેલ ગઈ હતી.

બાદમાં બંને જવાહર સાગરના જંગલ તરફ ગયા હતા જ્યાં વિદ્યાર્થિનીએ અન્ય યુવક સાથે સગાઈ નક્કી થઈ ગયાની વાત કરી હતી. જેને પ્રેમિકા સમજતો હતો, તેની પાસેથી આ વાત સાંભળતાં જ કિશનનું મગજ તપી ગયું અને ગાળ ઉપર છરાના ઘા માર્યા હતાં ઉપરાંત મોઢા ઉપર પથ્થર મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે કિશને ભાડાનું બાઇક લઈને નવાપુરાથી અમદાવાદની ટિકિટ મેળવીને વતન આવી ગયો હતો.

આ બનાવ બાદ હોસ્ટેલ સંચાલકે વિદ્યાર્થિની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસતપાસમાં બીજા દિવસે મૃતદેહ મળ્યો હતો. જેની તપાસ કરતાં હત્યારા કિશને બાઇક ભાડે લેવા માટે આપેલા આધાર કાર્ડ અને લાઇસન્સના આધારે કોટા પોલીસ ગાંધીનગર પહોંચી હતી. જ્યાં એસઓજીના પીઆઇ સચીન પવાર અને દેવેન્દ્રસિંહ રાવે તપાસ કરી હતી.

8 જૂને રાત્રે આરોપી કિશન ઠાકોરને મોટા ચિલોડા ખાતેથી ઝડપી લીધો હતો. કોટા પોલીસ આરોપીને લઈને રાજસ્થાન તરફ રવાના થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આસપાસનાં સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે આરોપી કિશન આખો દિવસ પબજી ગેમ રમતો હતો અને ખાનગી નોકરી કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...