વ્યાજખોરો બેફામ:ઓફિસ, કાર આપી દેવા છતા નાણાંની પઠાણી ઉઘરાણી કરતા યુવકે ઘર છોડ્યુ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષ પહેલાં હિસાબ પતાવી દેવા છતાં ખોટી ફરિયાદ કરી હતી
  • પ્રાંતિયાના યુવકે ચીઠ્ઠીમા 3 વ્યાજખોરના નામ લખી કહ્યું 3 જણાએ મારી જિંદગી ખરાબ કરી નાખી, ડભોડા પોલીસ મથકમાં 3 સામે ફરિયાદ

પ્રાંતિયા ગામમા રહેતા માલધારીએ 3 વ્યાજખોરો પાસેથી નાણાં લીધા હતા. નાણાં ચૂક્તે કરવા માટે એક ઓફિસ અને ફોર્ચ્યુનર કાર આપી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા યુવકે ચીઠ્ઠી લખીને ઘર છોડી દીધુ છે. ચીઠ્ઠીમા લખ્યુ છેકે, ત્રણ જણાએ મારી આખી જીંદગી ખરાબ કરી નાખી છે. આ લોકોને બધુ આપી દેવા છતા મારા પર ખોટી ફરિયાદ કરી મને સમાજમા ઝીરો કરી દીધો છે. જેને લઇને યુવકની પત્નિને ડભોડા પોલીસ મથકમા 3 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી.

આશાબેન અનિલભાઇ દેસાઇ (રહે, પ્રાંતિયા, ગાંધીનગર) ઘરકામ કરે છે. તેમણે ડભોડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, મારા પતિ અનિલભાઇ દેસાઇ ગત 7 એપ્રિલે ગાંધીનગર જવાનુ કહીને નિકળ્યા હતા. પરંતુ સાંજ પડવા છતા ઘરે નહિ આવતા તેમને ફોન કરતા બંધ આવતો હતો. જ્યારે મારો દિકરો કાર પાસે જોવા ગયો તો તેમા એક પાકીટ જેવુ પડેલુ જોવા મળ્યુ હતુ. જ્યારે કારનો દરવાજો ખોલ્યો તો એક ચીઠ્ઠી મળી હતી.

જેમા મારા પતિએ લખ્યુ હતુ કે, હવે મારાથી વધારે સહન થાય તેમ નથી, ત્રણ જણાએ મારી જીંદગી ખરાબ કરી નાખી છે. બધુ આપી દેવા છતા મારા પર ખોટી ફરિયાદ કરી છે. મારા બે ચેંક આ લોકો જોડે હતા એનો ખોટો ઉપયોગ કરી મને હેરાન કરે છે. ત્રણ વર્ષ પહેલા હિસાબ પતાવી દીધો હતો, જેમા ચિલોડામા આવેલી ઓફિસ અને ફોચ્યુનર ગાડી હિસાબમા આપી દીધી હતી. પરંતુ આ લોકોએ ચેક પાછા આપ્યા ન હતા, અને મે માગતા હાથ ઉપર નથી, મળે એટલે પહોંચાડી દઇશુ. મે વિશ્વાસથી ચેક પાછા લીધા ન હતા.

ગાંધીનગરના ઇસનપુરના રબારી વિષ્ણુભાઇ રઘુભાઇ, ચેખલાપગીના રબારી કાનજીભાઇ વાલજીભાઇ અને લવાડના રબારી રામાભાઇ મહાદેવભાઇને પાંચ દિવસ પહેલા રૂબરૂ મળી કહ્યુ હતુ કે, મારી પાસે તમને આપવા હવે કશુ જ છે નહિ. હવે મારી ઉપર ખોટા ચેક ભરીને મને પજવશો નહિ, તો કહ્યુ હતુ કે, હજુ તો બીજા ચેક રાજકોટથી ભરીશુ અને ત્યાં લાંબો કરીશુ. આ ત્રણેય લોકો પૈસા પાવરથી બાહુબલી છે. આ લોકો સામે હુ લડી શકુ તેમ નથી. મારા કારણે મારા પરિવારને નુકશાન ના થાય માટે આ રસ્તો અપનાવુ છુ.

આ લોકોના માણસો મારી એક એક વાતનુ ધ્યાન રાખી રહ્યા છે. મારા પછી મારા પરિવારજનોને હેરાન ના કરતા. મારો પરિવાર મારા કારણે હેરાન થાય તેવુ હુ ઇચ્છતો નથી. હુ મારુ જીવન ટૂંકાવુ છુ. મારી પાસે વકીલ રોકવાના પણ નાણા નથી. તો હુ આ લોકોને બીજુ ક્યાંથી પુરુ કરૂ. લી. દેસાઇ અનીલ આર. તેવી ચીઠ્ઠી મળતા ડભોડા પોલીસ મથકમા 3 વ્યાજખોર સામે ફરિયાદ દાખલ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...