તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરમાં દાદાગીરી:'તમે અમારા નોકર છો અમે તમારા નોકર નથી, વર્દી ઉતરાવી દઈશ', કહીને મહિલાએ પોલીસને તમાચો ચોડી દીધો

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા-પુત્રે પોલીસ સાથે મારામારી કરતા વાતાવરણ ઉગ્ર બન્યુ
  • સેકટર-7 પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને માતા પુત્રની ધરપકડ કરી

ગાંધીનગરમાં ચાલી રહેલા રાત્રિ કરફ્યૂ દરમિયાન ગઈ મોડી રાત્રે સરગાસણ ચાર રસ્તા નજીક કારમાં પુત્ર સાથે બહાર નીકળેલી મહિલાને પોલીસે અટકાવી હતી. જેનાં પગલે મહિલાએ 'તમે અમારા નોકર છો અમે તમારા નોકર નથી, વર્દી ઉતરાવી દઈશ' તેમ કહીને ફરજ પરના પોલીસ જવાનને સણસણતો તમાચો ઝીંકી દઈ પુત્રએ પણ મારામારી કરતા વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું. આ બનાવના પગલે સેકટર-7 પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને માતા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરમાં ચાલી રહેલા રાત્રિ કરફ્યૂની અમલવારી માટે સેકટર-7 પોલીસ મથકના લોકરક્ષક પ્રકાશભાઈ પ્રહલાદભાઈ તેમજ હોમગાર્ડના પિનાકીન ગોવિંદભાઈ અને અલ્પેશ અમૃતભાઇ સરગાસણ ચાર રસ્તા નજીક પ્રમુખનગર પાસે ગઈકાલે રાત્રે ફરજ નિભાવી રહ્યા હતા. કરફ્યૂની કડક અમલવારી માટે પોલીસ દ્વારા અત્રે બેરીકેટ લગાવીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ દરમિયાન રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ખ- 0 તરફથી આવતી વેગન આર કાર (નંબર-GJ-01-KG-4712)આવીને ઊભી રહી ગઈ હતી. કારમાંથી એક મહિલા તેમજ એક યુવક માસ્ક પહેર્યા વિના નીચે ઉતર્યા હતા. જેમણે પોલીસને બેરીકેટ હટાવી દેવાની માંગણી કરી હતી. આથી ફરજ પરના જવાનોએ રાત્રિ કરફ્યૂ અંગે જાણ કરી રાત્રેના સમયે ઘરની બહાર નીકળવાનું કારણ પૂછયું હતું.

આ સાંભળીને મહિલા એકદમ ઉશ્કેરાઇ ગઇ હતી અને પોલીસને કહેવા લાગેલી તમે અમારા નોકર છો અમે તમારા નોકર નથી વર્દી ઉતારી દઈશું. એમ કહીને લોક રક્ષક પ્રકાશ પ્રહલાદને સણસણતો તમાચો ચોડી દીધો હતો. જ્યારે તેની સાથેના યુવકે પોલીસ સાથે મારામારી શરૂ કરી દીધી હતી અને મહિલા અને યુવક જોરજોરથી બૂમો પાડીને પોલીસને બિભત્સ ગાળો ભાંડવા લાગ્યા હતા.

આ દરમિયાન નજીકના કોમ્પ્લેક્ષમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ રબારી તેમ જ સંયમ ગોસ્વામી પણ દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાની કોશિષ કરી હતી. તેમ છતાં મહિલા અને યુવકે તેઓની હાજરીમાં પણ ગાળો ભાંડીને માથાકૂટ ચાલુ રાખી હતી. આથી વાતાવરણ તંગ બની જતાં ખ-0 પોઇન્ટ પરથી અન્ય પોલીસ જવાનો પણ દોડી આવ્યા હતા અને તેઓને છોડાવ્યા હતા.

બાદમાં પોલીસે બન્નેને સેકટર-7 પોલીસ મથક લાવીને કડકાઈથી પૂછતાંછ કરતાં તૃષાબેન નીમેષભાઈ શાહ તેમજ તેનો પુત્ર હર્ષ (રહે. એ /303,મારુતિ આમ્રકુંજ -1, સરગાસણ મૂળ. ઉભરાણ, તા. બાયડ. જી. અરવલ્લી) હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે માં-દીકરા વિરુદ્ધ ગુનો દાખલ કરી બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...