અકસ્માત:ક7 સર્કલ પાસે હીટ એન્ડ રનમાં શ્રમજીવી યુવકનું મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી પલાયન થતાં સે. 21 પોલીસમાં ફરિયાદ

શહેરના છેવાડે આવેલા ક7 સર્કલ પાસે હીટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો છે. રાત્રિના સમયે કડીયાકામ કરતો યુવક ચાલતો જઇ રહ્યો હતો. તે સમયે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રોડ ઉપરના ડીવાઇડર પાસે ઇજાગ્રસ્ત હાલતમા પડ્યો હતો. તે સમયે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ટીમ આવી હતી અને યુવકની તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો. આ બનાવને લઇને સેક્ટર 21 પોલીસ મથકમા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ સુનિલ બિરબલભાઇ વણઝારા (રહે, સેક્ટર 13 છાપરા, મૂળ રહે, ટીમલાગામ, એમપી) હાલમા ત્રણ ભાઇઓ શહેરમા વસવાટ કરે છે અને કડીયાકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેની સાથે તેનો 45 વર્ષિય ગુલામભાઇ છેલ્લા એક વર્ષથી ગાંધીનગરમા મજૂરી અર્થે આવ્યો હતો. ત્યારે ગત શુક્રવાર રાતના સમયે ક7 પાસે ચાલતી સાઇટ ઉપર કામ પતાવીને સેક્ટર 13મા ઘર તરફ ચાલતો જઇ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે યુવકને ટક્કર મારી હતી. જેમા યુવક ડીવાઇડર પાસે પડ્યો હતો.

અકસ્માતની જાણ થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ટીમ દોડી આવી હતી. જ્યારે ટીમે તપાસ કરતા યુવક ગુલામભાઇને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનિય છેકે, મૃતક ગુલામભાઇને બાંધકામ સાઇટ ઉપર કામગીરી કરતા શેઠ દ્વારા ખર્ચીના રુપિયા આપવામા આવ્યા હતા અને નાણાં લઇને બાળકોને દિવાળીની ખરીદી કરવા લઇ જવાનો વિચાર કરેલો હતો. પરંતુ પિતા તેના 15 વર્ષિય અને 12 વર્ષિય બાળકને ખરીદી કરવા લઇ જાય તે પહેલા અકસ્માતમા મોતને ભેટતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. આ બનાવને લઇ મૃતકના ભાઇની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...