સફાઈ કામદારોની હડતાળ:કામદારોએ મ્યુનિ. કમિશનરની કેબિન બહાર સ્માર્ટવોચનો ઢગલો કરી દીધો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્માર્ટવોચના પોટલા કમિશનરની કેબીન બહાર મુકી દીધા હતા . - Divya Bhaskar
સ્માર્ટવોચના પોટલા કમિશનરની કેબીન બહાર મુકી દીધા હતા .
  • બીજા દિવસે પણ GMCના સફાઈ કામદારોની હડતાળ

કપાત અને મોડો પગાર તથા સ્માર્ટવોચ મુદ્દે ગાંધીનગરના સફાઈ કામદારોની હડતાળ બીજા દિવસે પણ યથાવત રહી હતી. એજન્સીઓમાં કામ કરતાં કામદારો બીજા દિવસે પણ કામ પર આવ્યા ન હતા. રજૂઆત સાથે ગુરૂવારે સવારે સફાઈ કામદારો કોર્પોરેશન કચેરી ખાતે પહોંચી ગયા હતા. ઉગ્ર સુત્રોચ્ચાર સાથે સફાઈ કામદારો કોર્પોરેશન બિલ્ડિંગ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં કામદારોએ સ્માર્ટવોચના પોટલા મ્યુનિસિપલ કમિશનરની કેબીનની બહાર જ મુકી દીધા હતા.

સફાઈ કામદારો દ્વારા કોર્પોરેશના અધિકારીઓને મળીને રજૂઆત કરાઈ હતી કે તેઓ જરૂર પડશે તો પગાર વગર કામ કરશે પરંતુ સ્માર્ટવોચ તો નહીં જ પહેરે જો સ્માર્ટવોચ પહેરાવવી હોય તો એજન્સીને હટાવીને તંત્ર દ્વારા સીધા રોજમદાર તરીકે તેમને લેવામાં આવે. જોકે સમગ્ર મુદ્દે કોઈ નીવેડો ન આવતા કામદારો સ્માર્ટવોચ ત્યાં જ મુકીને રવાના થઈ ગયા હતા. સફાઈ કામદારોની હડતાળને પગલે બીજા દિવસે પણ સફાઈ કામગીરી ઠપ રહી હતી.

તંત્ર દ્વારા નિયમ પ્રમાણે કામગીરી કરાય છે: ડીએમસી..
સમગ્ર મુદ્દે ડીએમસી પી. સી. દવેને પૂછતાં તેઓએ જણાવ્યું કે,‘ પગાર મોડો થવો કે કપાત થવા સમગ્ર મુદ્દો એજન્સી અને કામદારો વચ્ચેનો છે. તંત્ર કોઈ કામદારનો પગાર નથી કાપતું, કામગીરી પ્રમાણે એજન્સીને પૈસા ચૂકવાય છે અને કામગીરી ન થાય તો પેનલ્ટી લેવાય છે. કોર્પોરેશન તંત્ર દ્વારા સરકારની જ સૂચના મુજબ જ કામ કરીએ છે જેમાં વર્ગ-4ના કર્મચારીઓ આઉટસોર્સીગથી જ લેવાય છે. કર્મચારીઓની તમામ વ્યાજબી માંગણીઓ અમે પૂરી કરી જ છે.’

કામદારોનો રોષ જોઈ એજન્સી સંચાલક, ભાજપના નેતા સાઈડમાં જતા રહ્યાં!
હડતાળને પગલે કોર્પોરેશન તંત્ર દ્વારા એજન્સી ચલાવતા ભાજપના નેતાને પણ બોલાવાયા હતા. જેમાં સમગ્ર મુદ્દો એજન્સી અને સફાઈ કામદારો વચ્ચેનો જ હોવાનું જણાવીને શોટઆઉટ કરી લેવા કહેવાયું હતું. આ તરફ મોટી સંખ્યામાં સફાઈ કામદારો કોર્પોરેશન કચેરીમાં ધસી આવતા રોષનો ભોગ બનવું ન પડે તે માટે એજન્સી ચલાવતા ભાજપના નેતાઓ અહીં એક રૂમમાં જતાં રહ્યાં હોવાની ચર્ચા કોર્પોરેશનમાં છે.

અન્ય સમાચારો પણ છે...