તંત્ર દ્વારા તડામાર તૈયારી:ત્રણ વર્ષ પહેલાં જ બનેલા એક્ઝિબિશન સેન્ટરના આંતરિક રસ્તાઓ પર ફરી 2 કરોડના ખર્ચે કામગીરી

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખી સેક્ટર-17 એક્ઝિબિશન સેન્ટરની અંદરના રસ્તાઓના નવીનીકરણ માટેની કામગીરી હાલ ચાલી રહી છે. - Divya Bhaskar
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખી સેક્ટર-17 એક્ઝિબિશન સેન્ટરની અંદરના રસ્તાઓના નવીનીકરણ માટેની કામગીરી હાલ ચાલી રહી છે.
  • વાઈબ્રન્ટ કામગીરી: મહેમાનોની ગાડીઓને ઝટકો પણ ન વાગે એટલે રસ્તાઓ માટે 10 કરોડ ખર્ચાયા!
  • 2018ના અંતમાં જ સેક્ટર-17 એકિઝબિશન સેન્ટરમાં રસ્તા બનાવાયા હતા
  • જાન્યુઆરી-2019માં વાઇબ્રન્ટ સમિટ યોજાઇ હતી: 2 વર્ષ બાદ ફરી આયોજન
  • 3 વર્ષમાં એક જ વખત ઉપયોગમાં લેવાયેેલા રસ્તાની કાંકરી ઉખડી જતા બાંધકામની ગુણવત્તા સામે સવાલો

ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે તંત્ર વાઈબ્રન્ટ બની ગયું છે. મહાત્મા મંદિરથી લઈને જાહેર રસ્તાઓ પર હાલ પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. ત્યારે મહેમાનોની આંખને રસ્તા ગમે અને ગાડીને થોડો ઝટકો પણ ન વાગે તે માટે વિવિધ રસ્તાઓના રિસરફેસિંગ માટે અંદાજે 10 કરોડના ખર્ચો થઈ રહ્યો છે.

પાટનગર યોજના વિભાગના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હાલ સેક્ટર-17 એક્ઝિબિશન સેન્ટર ખાતે અંદાજે 2 કરોડના ખર્ચે આંતરિક રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા જાન્યુઆરી-2019માં વાઇબ્રન્ટ સમિટ યોજાઇ હતી. તે પહેલાં જ એટલે 2018ના અંતમાં જ સેક્ટર-17 એકિઝબિશન સેન્ટરમાં રસ્તા બનાવાયા હતા.

એક વખત ઉપયોગ કરવામાં આવ્યા બાદ કોરોનાને પગલે લાંબા સમયથી એક્ઝિબિશન સેન્ટર બંધ છે. ત્યારે હવે 2022 વાઈબ્રન્ટ સમિટિ માટે અહીં રસ્તાની કામગીરી ચાલી રહી છે. ત્રણ જ વર્ષમાં એક જ વખત ઉપયોગમાં લેવામાં આવેલા રસ્તાની સપાટીની કાંકરીઓ ઉખડી ગઈ છે. જેને પગલે તેની બાંધકામની ગુણવત્તા સામે નાગરિકોએ સવાલો ઉભા કરી રહ્યાં છે. હાલમાં તો વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલે છે.

મહાત્મા મંદિર સહિતના રસ્તાઓના પેચવર્કમાં 3 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા
વાઈબ્રન્ટને લઈને પાટનગર વિભાગ દ્વારા પહેલાં જ ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત બનેલા માર્ગોની મરામત માટે સરવે કરાયો હતો. જેમાં વિભાગ દ્વારા શહેરના માર્ગોની સ્થિતિનો સરવે કરીને સરકારને મોકલવામાં આવેલા અહેવાલના પગલે સરકાર દ્વારા પેચવર્ક કરવા માટે અંદાજે 3 કરોડ રૂપિયા મંજૂર કરાયા હતા. જેમાંથી મહાત્મા મંદિરસ, એક્ઝિબિશન સેન્ટર સહિતના માર્ગો પર પેચવર્કનું કામ કરાયું હતું.

5 કરોડના ખર્ચે આખા ઘ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું
ઘ રોડ આખા પર રિસફેસિંગ માટે અગાઉ જ 5 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જેના પગલે પાટનગર વિભાગ દ્વારા ઘ-0થી લઈને ઘ-7 સુધીના માર્ગને નવીનીકરણ કર્યું છે. વાઈબ્રન્ટને લઈને ટ્રાફિક જામની સ્થિતિને હળવી કરવા સેક્ટર-17માં એક્ઝિબિશન સેન્ટરને જોડતાં રસ્તાને પણ ટુ લેનમાંથી ફોરલેનમાં ફેરવી દેવાનો છે.

અન્ય સમાચારો પણ છે...