ગાંધીનગર કોર્પોરેશન હેઠળ સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ વિવિધ કામગીરી ચાલે છે. ત્યારે શહેરના ત્રણેક પ્રોજેક્ટમાં 784 જેટલા ઝાડ કાપવાની મંજૂરી બાકી હોવાથી કામગીરીને અસર પહોંચી છે. જેમાં ત્રણ સ્માર્ટ રોડની કામગીરી મંથરગતીએ ચાલી રહી છે. જ્યારે સેક્ટર-21-22 અને સેક્ટર-22-23 અંડરપાસની કામગીરી અટકી પડી છે.
આ તરફ શહેરના 1થી 30 સેક્ટરના એપ્રોચ રોડને ફોરલેન કરવાની કામગીરી પણ અટકી પડી છે. કોર્પોરેશન તંત્ર દ્વારા આ માટે ફોરેસ્ટ વિભાગમાં અલગ-અલગ 6થી 7 જેટલા ફાઈલો મુકાઈ છે. જેની મંજૂરી લાંબા સમયથી બાકી છે. જેને પગલે હાલ આ ત્રણ કામગીરીને અસર થઈ છે.
સ્માર્ટ રોડ પર ઝાડ કાપ્યા વગર તંત્ર દ્વારા કામગીરી કાઈ રહી છે. જેને પગલે કેટલા ઝાડ હાલના સમયે રસ્તા વચ્ચે આવી ગયા છે. જે કોઈ પણ સમયે અકસ્માતનું પણ કારણ બની શકે તેમ છે. ત્યારે ફોરેસ્ટ વિભાગમાં બાકી રહેલી મંજૂરીઓ મુદ્દે ચર્ચા માટે આજે કોર્પોરેશનમાં બેઠક મળે તેવી શક્યતા છે.
જેમાં વિકાસના કામોને આડે આવતી બાકી મંજૂરીઓ ઝડપી થાય તે પ્રકારે આગળ રજૂઆત કરાય તેમ છે. કોર્પોરેશન દ્વારા નિયમ મુજબ વન વિભાગમાં ફાઈલ મોકલી આપી છે. સ્થાનિક વનવિભાગ કચેરી દ્વારા નિયમ મુજબ ફાઈલો વડી કચેરી મોકલી અપાઈ છે, જોકે લાંબા સમયથી ઝાડ કાપવા અને વન વિભાગ હસ્તકની જમીનનો ઉપયોગની મંજૂરી આવી નથી.
બે અંડરપાસ અને એપ્રોચ રોડ બનાવાશેસેક્ટર-21 અને સેક્ટર-22 વચ્ચે તથા સેક્ટર-22 અને સેક્ટર-23 વચ્ચે બે અંડરપાસની કામગીરી થવાની છે. સેક્ટર-21 ગોવર્ધનજીની હવેલી પાસે તંત્ર દ્વારા અંડરપાસની કામગીરી પણ શરૂ કરી દેવાઈ હતી. જોકે ઝાડ કાપવાની મંજૂરી ઉપરાંત ફોરેસ્ટની પ્રોટક્ટેડ જમીનનો ઉપયોગની હજુ સુધી મંજૂરી મળી નથી.
જેને પગલે આ કામગીરી અટકી જ પડી છે. સેક્ટરમાં જવાના એપ્રોચ રોડ્સને ફોરલેન કરવા માટેનું આયોજન તંત્ર દ્વારા કરાયું છે. આ એપ્રોચ રોડની કામગીરીમાં અંદાજે 200 જેટલા ઝાડ કાપવાની મંજૂરી માગવામાં આવી છે.
સ્માર્ટસિટી અંંતર્ગત ત્રણ સ્માર્ટ રોડ બનશેસ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ત્રણ જેટલા રોડને સ્માર્ટરોડ બનાવાઈ રહ્યાં છે. જેમાં રોડ નંબર-6, 7 અને ગ રોડમાં 33 કિલોમીટરનો રોડ 60 કરોડના ખર્ચે સ્માર્ટ રોડ બનાવાઈ રહ્યાં છે. જેમાં ત્રણેય માર્ગ પર સ્માર્ટ ક્રોસિંગ, ફૂટપાથ, કેબલ ડક્સ નાખવામાં આવી રહ્યાં છે. અહીં રોડની બંને બાજુ ઘટાદાર વૃક્ષો આવેલા છે.
ત્રણયે રોડ પર કુલ 264 જેટલા વૃક્ષો કાપવાની મંજૂરી માંગવામાં આવી છે. જોકે ઝાડ કાપવાની મંજૂરી વગર કામગીરીને અસર પહોંચી છે. સમગ્ર રાજ્યમાં મોડેલરૂપ બને તે રીતે શહેરમાં સ્માર્ટ રોડ કામગીરી કરાઈ રહી છે. જેમાં રોડની બંને સાઈડ ડક્સમાંથી વીજળીના વાયર, ગેસલાઈન લાઈન કે અન્ય ખુલ્લા વાયરો પસાર કરી શકાશે.
જેથી કોઈ ફોલ્ટ સમયે ખાડા ખોદવાની જરૂરી નહીં પડે. જો આ પ્રોજેક્ટ સફળ થાય તો શહેરના તમામ રોડ પર આ પ્રકારે કામગીરી કરવા માટે તંત્રની વિચારણા છે. ત્રણ રોડમાંથી રોડ નં-6 તથા ગ રોડ પર બંને તરફ ડક્સ નાખીને ડામરની કામગીર થઈ છે. જ્યારે રોડ નં-7 પર કામગીરી બાકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.