ગ્રેડ-પેની માંગ:રાજય પોલીસના ગ્રેડ પે મામલે બે મહિને પણ નિવેડો નહીં આવતાં ગાંધીનગરમાં આજે ફરી મહિલાઓએ આંદોલન છેડયું

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાવણીએ પોલીસ બંદોબસ્ત હોવાથી મહિલાઓએ સેકટર - 27 તરફ કૂચ કરી
  • આઈજી ઓફિસ નજીક મહિલાઓ ધરણાં પર બેસી જતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું

રાજય પોલીસના ગ્રેડ પે મામલે રચાયેલી સમિતિની રચના કર્યાને પણ બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પડતર માંગણીઓ સંદર્ભે આજદિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતાં આજે ફરી મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કરી દઈ આઈજી ઓફિસ નજીકમાં ધરણાં શરૂ કરી દેવામાં આવતાં પોલીસ સાથે ઘર્ષણના દૃશ્યો સર્જાયા છે.

રાજય પોલીસ ગ્રેડ પે મામલે બે મહિના અગાઉ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાજયભરમાંથી પોલીસ પરિવારો દ્વારા બાળકો સાથે પહોંચી આંદોલન છેડાયુ હતું. જેમાં પંદર જેટલી માંગણીઓ પોલીસ પરિવારો દ્વારા કરવામાં આવી હતી.

જે મુજબ ગુજરાત રાજયના એ.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલનાં ગ્રેડ પે ખૂબ જ ઓછા છે. જેનાં બદલે 4200, 3600 અને 2800 ગ્રેડ પે કરવામાં આવે,ગુજરાત રાજયના પોલીસ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલીક વધારો કરવો જોઈએ. ઉપરાંત પોલીસ કર્મચારીઓની ફરજનો સમય સુનિશ્ચિત કરવામાં આવે અને આઠ કલાકથી વધુ સમયથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેમજ વિવિધ ઋતુ મુજબ સુરક્ષાના સાધનો પણ આપવા જોઈએ.

હાલમાં ગુજરાતના તમામ વિભાગમાં યુનિયન બનાવવાની મંજૂરી આપવામાં આવે છે એજ રીતે પોલીસ વિભાગમાં પણ યુનિયન બનાવવાની મજૂરી આપવા તેમજ તપાસ કે બંદોબસ્ત અર્થે જિલ્લામાં કે રાજયમાં પોલીસ કર્મચારીઓને જવાનું થાય તેવા સંજોગોમાં સરકારી વાહન તેમજ તમામ સુવિધા આપી મળવાપાત્ર ભથ્થા તેમના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે સહિતની પડતર માંગણીઓ હતી.

જો કે એ સમયે રાજય સરકારે કમિટી રચના કરાઈ હતી. અને જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. સરકારે આઈજીપી બ્રિજેશ કુમાર ઝાને કમિટીના અધ્યક્ષ બનાવેલા છે. આ વાતને બે મહિના સમય વીતી ગયો હોવા છતાં પડતર માંગણીઓ સંદર્ભે કોઈ નિર્ણય નહીં લેવામાં આવતા આજે ફરીવાર ગાંધીનગરમાં પોલીસની મહિલાઓએ આંદોલન શરૂ કરી દીધું છે. આંદોલનના પગલે સવારથી જ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

જેનાં પગલે આંદોલનકારી મહિલાઓ આંતરિક માર્ગો પર થઈને પોલીસ વડા કચેરી તરફ કૂચ કરી હતી. પણ અહીં પણ પોલીસ દ્વારા રોકી લેવામાં આવતા મહિલાઓએ આઈજી કચેરી પાસે ધરણાં શરૂ કરી દીધા હતા. અને ચાર રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. જેનાં કારણે પોલીસ અને મહિલાઓ સાથે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. બાદમાં તેઓને ડીટેઈન પણ કરી લેવાઈ છે. હાલમાં તો આંદોલન ચાલુ કરી દેવાયું છે ત્યારે જોવાનું રહે કે આ વખતે સરકાર દ્વારા ક્યાં પ્રકારના આશ્વાસન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...