ચોરીના CCTV:કલોલના ઉમિયા કોમ્પલેક્ષમાં જવેલર્સની દુકાનમાં દાગીના ખરીદવાના બહાને મહિલાએ સોનાની કડીઓ સેરવી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • વૃદ્ધ મહિલા દુકાનદારનું ધ્યાન ભટકાવી 28 હજારની કડીઓ સેરવી લેતા કેમેરામાં કેદ

કલોલના વેપારીજીનના ઉમિયા કોમ્પલેક્ષમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી વૃદ્ધ મહિલા દાગીના ખરીદવાના બહાને દુકાનદારને વાતોમાં રાખીને 28 હજારની સોનાની કડીઓ સેરવી લેતાં સીસીટીવી કેમેરામાં આબાદ રીતે કેદ થઈ છે. આ અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વૃદ્ધ મહિલાની શોધખોળ શરૂ કરાઈ છે.

કલોલના પંચવટી ખાતે રહેતાં રાજેશ શંકરભાઈ સોની કલોલ વેપારીજીનમાં ઉમિયા કોમ્પલેક્ષમાં અભિષેક જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ગત તા. 1 જૂનના રોજ સવારે રાજેશભાઈ તેમનો પુત્ર અભિષેક તથા કારીગરો નિત્યક્રમ મુજબ દુકાને હાજર હતા. એ દરમિયાન બપોરના સમયે ત્રણ મહિલાઓ દુકાનમાં આવી હતી. જેમાંથી બે મહિલાએ સોનાની ચેઇન ખરીદવાની વાત કરી હતી. આથી રાજેશના કહેવાથી કારીગર અજય સોનાની ચેઇનનાં બોક્સમાંથી ચેઇન બતાવી હતી. જેમાંથી આ મહિલાઓએ અડધા તોલાની સોનાની ચેઇન ખરીદી હતી. જે બાદ ત્રણેય મહિલાઓ દુકાનની બહાર નીકળી ગઈ હતી.

ત્યારબાદ થોડીક વારમાં આશરે પચાસ વર્ષની વૃદ્ધ મહિલા દુકાનમાં આવી હતી. જેણે સોનાની બુટ્ટી ખરીદવાની વાત કરતા કારીગર અજય બુટ્ટીઓ બતાવવા લાગ્યો હતો. જેને જોયા પછી વૃદ્ધ મહિલાએ કાનમાં પહેરવાની કડીઓ બતાવવા માટે કહ્યું હતું. આથી કારીગર અજય કડીઓ બતાવી રહ્યો હતો. આ દરમિયાન વૃદ્ધ મહિલા રાજેશભાઈ સાથે વાતચીત કરી રહી હતી.

બાદમાં કડીઓ પસંદ નહીં હોવાનું કહીને વૃદ્ધ મહિલા દુકાનમાંથી નીકળી ગઈ હતી. ત્યારે થોડા સમય પછી તપાસ કરતાં છ ગ્રામ વજનની 28 હજારની કિંમતની કડીઓ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આથી રાજેશભાઈએ સીસીટીવી કેમેરા ચેક કરતાં વૃદ્ધ મહિલા કડીઓ ચોરીને લઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...