શતાયુ વોરિયર્સ:કોરોના સામે હિંમત હારી જનારા માટે પ્રેરણારૂપ છે આ દાદી, 102 વર્ષની ઉમરે ઘરે રહીને જ કોરોનાને માત આપી

ગાંધીનગર5 મહિનો પહેલા
102 વર્ષની ઉમરે કોરોનાને માત આપનારા મેનાબેન
  • તબીબ પૌત્ર અને પૌત્રવધૂએ દાદીની ઘર પર જ સારવાર કરી
  • માત્ર 10 દિવસની સારવાર બાદ દાદી સાજા થયા

ગાંધીનગરનાં રાંદેસણ મુકામે રહેતા 102 વર્ષના કોરોના સંક્રમિત દાદીએ ઓક્સિજન લેવલ 90 આવી ગયું હોવા છતાં મક્કમ મનોબળ રાખીને ઘરે જ પ્રાથમિક સારવાર મેળવીને માત્ર દસ દિવસમાં જ કોરોના સામેની જંગ જીતી લઈ 'ડર કે આગે જીત હે'નાં સૂત્રને સાર્થક કરી કરી બતાવ્યું છે. દાદીને કોરોના કાળમાં માસ્ક પહેરીને ફરતા લોકોને જોતા એક જ ઉદ્દગાર નીકળેલો કે આટલા વરહમાં પેલી વખત આવું જોયું છે. માણહ માણહ થી જ દૂરી રાખીને જીવન જીવવા મજબૂર બની ગયો છે.

કોરોના મહામારીનો ભોગ બનતા દર્દીઓ કોરોના કરતાં તેના ડરથી મૃત્યુ પામતાં હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરના 102 વર્ષના દાદીએ મક્કમ મનોબળનો પરચો આપી માત્ર દસ જ દિવસમાં કોરોના ને હરાવી દેતા સારવાર કરનાર ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. આ ઉમરે કોરોના સામે લોકો હથિયાર હેઠા મૂકી દેતા હોય છે ત્યારે 102 વર્ષના દાદી એ કોરોના સામે ની જંગ જીતી લઈ સૌ કોઈ દર્દીઓને માટે પ્રેરણાદાયી દાખલો પૂરું પાડયો છે.

મેનાબેન અને તેમના પરિવારજનો
મેનાબેન અને તેમના પરિવારજનો

'મને કંઈ ના થાય, કારણ કે મને કોરોનાથી ડર જ નથી લાગતો'
ગાંધીનગરના મૂળ ઇટાદરા ગામના વતની અને હાલ રાંદેસણનાં ઉર્જાનગરમાં રહેતા મેંનાબેનના પુત્ર કોરોનાથી સંક્રમિત થયા હતા. બાદમાં થોડા દિવસ પછી 102 વર્ષના મેનાબેનમાં પણ કોરોના નાં શંકાસ્પદ લક્ષણો દેખાવા લાગ્યા હતા. સામાન્ય તાવ આવતા તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં દાદી પણ કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થતાં તેમના પૌત્ર ડૉ. દર્શન પટેલે દ્વારા પહેલા તેમને કોરોના રોગથી વાકેફ કરવામાં આવ્યા હતા અને તેમને ઘરમાં ક્વોરન્ટાઈન કરી દીધા હતા. ઘાતકી કોરોના પરિવારના વટ વૃક્ષ એવાં મેનાબેનને ઝપેટમાં લઈ લેતા ઘરના સભ્યો ચિંતાતુર બની ગયા હતા. ત્યારે છપ્પનિયો દુકાળ નજરે જોનાર મેનાબેન જરા પણ ડર વિના હસતા મુખે કહેતા હતા કે, 'મને કંઇ ન થાય, કારણ કે મને કોરોનાથી ડર જ નથી લાગતો.'

પટેલ પરિવારને ચિંતા હતી કે આ કપરાં સમયમાં તેઓ કદાચ બચી શકશે કે કેમ પરંતુ મેનાબેન હોસ્પિટલમાં દાખલ થયા વિના હાલ દાદીમાં સ્વસ્થ થઈને ઘર માં હરીફરી રહ્યા છે અને પોતાનું દૈનિક કાર્ય કરવા લાગ્યા છે, જાણે કે કોરોના થયો જ ન હોય.'

ઘરમાં જ પ્રાથમિક સારવાર કરવામાં આવી
102 વર્ષના દાદીની ઉમર પ્રમાણે તેમની વિશેષ તકેદારી રાખવાની હતી. જેથી તેમના પૌત્ર ડો. દર્શન પૌત્રવધુ ડો. નીરાલી એ દાદીને આઈસોલેશન માં રાખી પેરાસીટામોલ દવા આપી હાઇડ્રેશન જળવાઈ રહે તે રીતે સારવાર શરૂ કરી દીધી હતી. આ સાથે પૌષ્ટિક આહાર, ફળ ફળાદી વિટામિન સી યુકત જ્યુસ નો આહાર પણ દાદી ને આપવામાં આવતો હતો.

પાંચ દિવસ સુધી તાવ ન ઉતરતા ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું
ઘરમાં જ મેનાબેન ની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ પાંચ દિવસ થવા છતાં તેમનો તાવ ઊતરતો ન હતો. જેના કારણે તેમનું ઓક્સિજન લેવલ ઘટીને 90 આવી ગયું હતુ.આથી કોવિડ ડોક્ટરની સલાહ લઈને ઓછી માત્રામાં મેનાબેનને છ દિવસ સુધી સ્ટીરોઈડ આપવાની શરૂઆત કરી હતી. જેનાં કારણે મેનાબેન 10 માં દિવસે સ્વસ્થ થઈ ગયા હતા. અને તેમને દવા આપવાની બંધ કરી દેવામાં આવી હતી. ઓક્સિજનનું લેવલ જળવાઈ રહે તે માટે મેનાબેન એ ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરી દેતાં ધીમે ધીમે તેમનું ઓક્સિજન લેવલ 95 97 આસપાસ આવી ગયું હતું. આમ તેમણે કોરોના સામેની લડાઈ જીતી લીધી હતી.

સામાન્ય રીતે 102 વર્ષની ઊંમરે વૃદ્ધ દર્દી કોરોનાની લડાઈ સામે હથિયાર હેઠા મૂકી દેતું હોય છે પરંતુ આ દાદી દરરોજ સવારે 6 વાગે ઊઠવાનો તેમનો નિત્યક્રમ જાળવી રાખ્યો હતો. કોરોના સંક્રમિત હોવા છતાં તેઓ જાતે જ પોતાના રૂમમાં રહીને નાના મોટા કામો લેતા હતા. ભોજનમાં દાળ ભાત શાક રોટલી છાસ લેતા હતા. અને સાંજે ખીચડી દૂધ નો હળવો ખોરાક લેતા હતા. આ સિવાય પોતાના પૌત્રોને રોજીંદા જીવનમાં બોર્નવીંટા પીવાની આદત હોવાથી જે મોટાભાગે તમામ ઘરોમાં બાળકો પીતા હોય છે એમ મેનાબેન પણ હાલમાં બોર્નવીંટા પણ નિયમિત પીવે છે.

સાદી જીવનશૈલી અને મક્કમ મનોબળથી કોરોનાને હરાવ્યો
સાદી જીવનશૈલી અને મક્કમ મનોબળથી કોરોનાને હરાવ્યો

સાદી જીવનશૈલી અને મક્કમ મનોબળથી કોરોના હાર્યોઃ ડૉ. દર્શન પટેલ
મેનાબેનના પૌત્ર ડૉ. દર્શન પટેલે જણાવ્યું હતું કે પહેલા પિતા કોરોના પોઝિટિવ આવ્યા બાદ દાદીને અચાનક તબિયત બગડી હતી. સામાન્ય તાવ આવતા બે દિવસની સારવાર બાદ કોવિડ લક્ષણો હોવાથી કોરોના પોઝિટિવ આવતાં હોમઓઇસોલેટ થયાં હતા. ત્યારબાદ ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હોવાથી ડૉક્ટર ની સલાહ મુજબ ઘરે જ કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી. દાદીમાનું મનોબળ તો પહેલેથી જ મક્કમ છે, પરંતુ તેમની ધાર્મિક માર્ગે સરળ અને સાદી જીવનશૈલીના કારણે કોરોના વાયરસ હાર્યો છે. અમે દરરોજ તેમનો દરેક વાતમાં દરેક કામમાં પોઝિટિવ એપ્રોચ જોઈએ છે. જે અમને પણ મોટીવેટ કરે છે.'

પરિવારની હૂંફ પણ કોરોનાની લડાઈ માટે મોટા હથિયાર તરીકે કામ કરે છે
કોરોના સંક્રમિત દાદીને ઘરમાં આઈસોલેટ કર્યા હતા. જેથી 102 વર્ષ ની ઉમરે રૂમની ચાર દીવાલમાં રહેવાનું આવતા મેનાબેન થોડા વિચલિત થઈ ગયા હતા. અને પરિવારને સવાલ પર સવાલ કરતા હતા કે મારે એકલા રૂમમાં રહેવું પડશે? આ સાંભળી પરિવારનું પણ હ્રદય દ્રવી ઊઠતું હતું પણ સંજોગો મુજબ ઘરના તમામ સભ્યો મેનાબેનને સાંત્વના આપી ને રોગની ગંભીરતા સમજાવતા હતા અને માનસિક મનોબળ પણ પૂરું પાડતા હતા.

ત્યારે મજબૂત મનોબળ ધરાવતા મેનાબેન પણ કોરોના સામે ની લડાઈ લડવા તૈયાર થઈ ગયા હતા. જેનાં ફળ સ્વરૂપે આજે 102 વર્ષના દાદી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જતાં વોકર નાં સહારે ઘરમાં હરીફરી રહ્યા છે. જેમને જોઈ પરિવાર પણ વટ વૃક્ષ મેનાબેન ને જોઈ કોઈપણ વિપરીત સ્થિતિમાં વિચલિત થયા વિના ધીરજ અને મજબૂત મનોબળ રાખવાથી કોઈ પણ જંગ માં જીત મેળવી લેતાં શીખી ગયો છે.

બાનું મજબૂત મનોબળ : તમે ચિંતા ન કરો, કોરોનાથી મને કંઇ નહીં થાય
મેનાબાનું મનોબળ મજબુત હોવાથી તેઓને કોરોના થયો હોવાથી ઘરના સભ્યો ચિંતામાં આવી ગયા હતા. પરંતુ મેનાબા પરિવારને કહેતા હતા કે તમે ચિંતા કરો નહી કોરોનાથી મને કંઇ થશે નહી.

નિયમિત જીવનથી બાને કોઈ જ બીમારી નથી
બાને જીવનભર કોઇ બિમારી આવી નથી. ઉપરાંત કોઇ જ ગોળી કે દવા ખાધી નથી. નિયમિત અને પરેજીવાળું જીવનને લીધે તેઓના જીવનમાં કોરોના પ્રથમ બિમારી આવી હોવાનું બાના પૂત્ર જયંતિભાઇ પટેલે જણાવ્યું છે.

ઓક્સિજનનું લેવલ ઘટી જતાં સ્ટીરોઇડની દવા આપી હતી
મેનાબાને પાંચ દિવસ પછી તાવની સાથે સાથે ઓક્સિજન લેવલ 91 થઇ જતા પ્રેગ્નીસોલન સ્ટીરોઇડ દવા આપી હતી. જોકે મેનાબાની ઉંમર અને શરીરને ધ્યાનમાં રાખીને શરૂઆતમાં 80 મીલી ગ્રામ ડોઝ સાથે સ્ટીરોઇડની દવા આપી હતી. ત્યારબાદ બે બે દિવસે ડોઝ ઘટાડીને કુલ છ દિવસ બાદ ગોળી બંધ કરી દીધી હતી.

બા દૈનિક ક્રિયા જાતે જ કરે છે
મેનાબાને 101ની ઉંમરે પણ ડાયાબિટીસ કે બ્લડપ્રેશર જેવી કોઇપણ બિમારી નથી. હાલમાં પણ બે ટાઇમ જમે તેનું પાચન પણ થઇ જાય છે. ઉપરાંત તેઓ પોતાાની દૈનિક ક્રિયાઓ જાતે કરે છે.