ઉડાઉ જવાબ:માણસા નગરપાલિકાએ આપેલા RTIના જવાબથી માણસા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ગોથે ચડ્યા

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કાયદેસર માહિતી આપે તો માણસા નગરપાલિકામાં મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે: અરજદાર
  • વિકાસ કામો કર્યા જ નથી તો જવાબ શેનો: ચીફ ઓફિસર

સરકારે માણસા નગરપાલિકાને ફાળવેલી 45 લાખની ગ્રાંટમાંથી રોડ રસ્તા સુધારા અને નવીનીકરણ સહિતના કામો સંદર્ભે આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતીના પ્રત્યુત્તરમાં નગરપાલિકા તંત્ર દ્વારા વિકાસના કામોની હજી શરૂઆત જ કરાઈ નથી તો જવાબ કઈ બાબતે આપવો. તેવો ગોળ ગોળ મૌખિક ઉડાઉ જવાબ આપી દેવામાં આવતા અરજદાર એવા માણસા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ગોથે ચડ્યા છે.

માણસા નગરપાલિકા વિસ્તાર રોડ-રસ્તાના કામો માટે સરકાર દ્વારા 45 લાખની ગ્રાન્ટ ગત ઓક્ટોબર 2021માં મંજૂર કરવામાં આવી છે. ત્યારે માણસામાં રોડ રસ્તાના કામો હજુ સુધી ન થયા હોવાના આક્ષેપ સાથે માણસા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ પિયુષ પંચાલે આરટીઆઇ કરી તંત્ર પાસે વિગતો માંગી હતી. જેમાં માણસા નગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તાના સુધારા અને નવીનીકરણ કામ માટે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તથા જે તે એજન્સી અને કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવી હોય તેના વર્ક ઓર્ડર અને આ સંબંધિત કામો અંગે થયેલી ચુકવણી અંગેના પ્રમાણિક બીલોની નકલની માંગણી કરી હતી. નગર પાલિકા તંત્રે અરજદારને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અને ગુજરાત શહેરી વિકાસ મિશનનો પરિપત્ર આપી અને કાયદેસર નકલના રૂપિયા 16 પણ લીધા છે. તેની સામે અરજદારને ફક્ત પરિપત્ર આપી અરજદારને રીતસર માથું ખંજવાળતો કરી દીધો છે. આ આર.ટી.આઈ અંગે માણસા નગરપાલિકા ના ચીફ ઓફિસરે અરજદારને રૂબરૂ બોલાવીને મૌખિક જવાબ આપ્યો હતો કે હજુ સુધી આ ગ્રાન્ટમાંથી કોઈ જ કામો હાથ ધરવામાં આવ્યા નથી અને તેના વર્ક ઓર્ડર તૈયાર કરવામાં આવેલ નથી જેથી આપને માહિતી આપેલ નથી.

બીજી તરફ 45 લાખની ગ્રાન્ટમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતાં અરજદાર માણસા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ખરાબ થઈ ગયેલા રોડ રસ્તાના સમારકામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે તેમ છતા છ મહિના જેટલો સમયગાળો થઈ જવા છતાં હજુ સુધી કેમ કામ કામ કરવામાં નથી આવ્યા. પાલિકા આ મુદ્દે સાચી હકીકત છુપાવી રહી હોવાનું લાગી રહ્યું છે. જ્યારે અન્ય નગરપાલિકાઓ એ પોતાના વિસ્તારમાં રોડ-રસ્તાના સુધારણા કામો કરવાની પણ શરૂઆત કરી દીધી છે.

માણસા નગર પાલિકા ચીફ ઓફિસર સતીષ પટેલે અરજદાર દ્વારા માહિતી માંગી છે પરંતુ આ ગ્રાન્ટમાંથી હજુ સુધી વિકાસના કામો હાથ પર ધરાયા ન હોવાને કારણે તેમને ફક્ત ગ્રાંટની માહિતી આપવામાં આવી કહ્યું હોવાનું જાણવા મળ્યું છે . જોકે કામ હજુ સુધી કેમ શરૂ નથી કર્યા તે મુદ્દે સવાલ અધિકારીએ જણાવ્યું હતું કે કોરોનાનો સમયગાળો ચાલતો હતો અને અન્ય કામોમાં વ્યસ્ત હોવાથી વર્ક ઓર્ડર તૈયાર કરવામાં આવ્યા નથી અને કામની શરૂઆત કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...