ચાલુ વર્ષે શિયાળાની ઋતુની જમાવટ રહેતા રવિ સીઝનમાં ખેડુતોની અપેક્ષા કરતા ઘઉંનો પાક સારો થયો છે. આથી જિલ્લામાં કુલ-33836 હેક્ટરમાં ઘઉંના વાવેતરથી કુલ-11.16 કરોડ કિલો ઘઉંનું વિક્રમી ઉત્પાદન થયું છે. રવિ સીઝનમાં ઠંડીની જમાવટને પગલે રવિ સીઝનના પાકનું ઉત્પાદન ખેડુતોની અપેક્ષા કરતા સારૂ રહેતા ખેડુતોને ટેકાના ભાવ મળે તેવી આશા ખેડુતો રાખી રહ્યા છે. જ રવિ સીઝન સારી રહેતા ખેડુતોની અપેક્ષા કરતા ઘઉંનો પાક સારો થયો છે. જોકે હાલમાં ખેતરમાં ઘઉંનો પાક લેવાઇ ગયો છે. ઉપરાંત ઉનાળુ પાકનું વાવેતર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘઉંના ટેકાના ભાવ 402 પ્રતિ 20 કિલોના નક્કી કરવામાં આવ્યા છે. બજારમાં પ્રતિ કિલોએ 450નો છે. આથી ખેડુતો ટેકાના ભાવે વેચાણ કરતા ઓછો રસ દાખવ્યો છે. જિલ્લામાં ઘઉંનું પ્રતિ હેક્ટરે કેટલા કિલો ઉત્પાદન થાય છે તે અંગે પુછતા જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.વી.પટેલે જણાવ્યું છે કે પ્રતિ એક હેક્ટરે અંદાજે 3300 કિલો ઘઉંના ઉત્પાદન થાય છે. આથી જિલ્લામાં 33836 હેક્ટરમાં ઘઉંના વાવેતરથી જિલ્લામાં 111658800 કિલો ઘઉંનું ઉત્પાદન થયું છે.
જિલ્લામાં ચારેય તાલુકામાં ઘઉંનું વાવેતર
ચોમાસું નબળું રહેતા ખેડુતોએ રવિ સીઝનમાં મન મુકીને વાવેતર કર્યું હતું. આથી જિલ્લામાં કુલ-92500 હેક્ટરમાં અલગ અલગ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમાં જિલ્લાના ચારેય તાલુકામાં થયેલા ઘઉંના વાવેતરમાં દહેગામમાં 9079 હેક્ટર, ગાંધીનગરમાં 12188 હેક્ટર, કલોલમાં 6415 હેક્ટર, માણસામાં 6154 હેક્ટરમાં વાવેતર થયું હતું.
ઘઉંના વાવેતરમાં પ્રતિ હેક્ટરે 5500નો ખર્ચે થાય : કિસાન સંઘ પ્રમુખ
ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ગાભુભાઇ પટેલને પુછતા જણાવ્યું છે કે ઘઉંના વાવેતરમાં પ્રતિ હેક્ટરે રૂપિયા 5500નો ખર્ચ થાય છે. જ્યારે તેની સામે સરકારમાંથી ટેકાના ભાવ યોગ્ય રીતે મળતા નથી. આથી ખેડુતોને જ નુકશાનનો માર સહન કરવો પડે છે. ખેડુતોના ઉત્થાન માટે કુલ ખર્ચના આધારે ટેકાના ભાવ નક્કી કરવામાં આવે તેવી માંગણી કરી છે.આમ આ વખતે જિલ્લામાં જિલ્લામાં 11.16 કરોડ કિલો ઘઉંનું ઉત્પાદન થતા ખેડૂતો પણ તેના સારા ભાવની આશા રાખી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.