તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રાઇવરનો વિશ્વાસઘાત:સાઈડ ઇન્કમની લાલચમાં સચિવાલયની મહિલા ડેપ્યુટી સેક્શન ઓફિસર છેતરાઈ, વલસાડનો શખસ 26.25 લાખની 4 કાર લઇ ભાગી ગયો

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અધિકારીએ પોતાના સંબંધીઓની કાર ભાડે મુકવા આપી હતી
  • હજીરા પોર્ટ પર ગાડીઓ ભાડે મૂકવાના બહાને ઠગાઈ કરી
  • આરોપીએ ગાડીઓ હજીરા પોર્ટ પર ભાડે ચડાવી રોજના રૂ.3800 ચૂકવવાની લાલચ આપી હતી

ગાંધીનગરનાં સચિવાલય ખાતે ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવતી 31 વર્ષીય યુવતી સાથે વિશ્વાસ સંપાદન કરીને હજીરા પોર્ટ પર ભાડા પર ગાડીદીઠ રોજના રૂ.3800 ચૂકવવાની લાલચ આપી વલસાડ-વાપીનો શખસ રૂ. 26.25 લાખની ચાર ગાડી લઈને છૂ થઈ જતાં અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

અવારનવાર ડ્રાઇવર તરીકે વલસાડનો શખસ આવતો
ગાંધીનગરના સરગાસણ હરિ આલયમ ફ્લેટ નંબર-501માં પરિવાર સાથે રહેતી રિદ્ધિ રતનસિંહ ગઢવી સચિવાલય ખાતે ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આજથી ત્રણ વર્ષ અગાઉ પરિવારને ફરવા જવાનું હોવાથી રિદ્ધિએ અમદાવાદની યુગ ડ્રાઈવર સર્વિસમાં ફોન કરીને ડ્રાઈવર સંજય નટવરભાઈ પટેલ (રહે. બી 101, વૃંદાવન પાર્ક, તક્ષશિલા પાસે, વાપી, વલસાડ)ને બોલાવ્યો હતો. બાદમાં તેનું ડ્રાઈવિંગ વ્યવસ્થિત લાગતાં અવારનવાર સંજયને જ ડ્રાઈવર તરીકે બોલાવતા હતા.

ગાડીઓ ભાડે મૂકીશું તો બન્નેને આવક થશે
ડ્રાઈવર તરીકે અવારનવાર આવતો હોઈ ડેપ્યુટી સેક્શન ઓફિસર રિદ્ધિ સાથે ઓળખાણ થઈ ગઈ હતી. ત્યારે વર્ષ 2020માં સંજયે કહ્યું હતું, નોકરીમાં વધુ કમાણી થતી નથી. જો તમે મને ગાડીઓ ભાડે આપો તો એને હજીરા પોર્ટ પર ભાડે મૂકીને બન્નેને આર્થિક ફાયદો મળશે. એવો સંજયે વિશ્વાસ આપતાં રિદ્ધિએ તેમના ઓળખીતા ભરત દેસાઈની સ્વિફ્ટ કાર, કનુભાઈ સોલંકીની બલેનો કાર, બાબુભાઈ જાદવની રેનોલટ કાર તેમજ નિકિન પટેલની ઇનોવા કાર સંજય પટેલને ભાડે મૂકવા માટે આપી હતી.

નક્કી કરેલી રકમ કરતાં ઓછી ચૂકવાતાં શંકા ગઈ
સંજય પટેલે ત્રણ કાર પેટે રૂ. 1800 તેમજ ઇનોવા કાર પેટે રૂ. બે હજાર દૈનિક ચૂકવવાનો વિશ્વાસ આપ્યો હતો. બીજી તરફ, રિદ્ધિ ત્રણ વર્ષથી સંજયને ઓળખતી હોવાથી તેની સાથે કોઈ જાતનું લખાણ કર્યું ન હતું. બાદમાં ગત.તા 04/02/2021ના રોજ રૂ. 49 હજાર 500 તેમજ તા. 04/03/2021ના રોજ રૂ. 20 હજાર સંજયે ચૂકવ્યા હતા, જે રકમ નક્કી થયા કરતા ઓછી હતી.

તપાસ કરતાં ગાડીઓ ભાડા પર મુકાઈ ન હોવાનું બહાર આવ્યું
રિદ્ધિએ ગાડીઓ પરત માગી હતી, જેને પગલે તા. 15/05/2021ના રોજ સંજયે ફોન કરીને કહ્યું હતું કે ગાડીઓ તેમજ બાકીના પૈસાનો હિસાબ આપી જશે. એ બાદથી સંજયે તેનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો, જેથી શંકા જતાં રિદ્ધિએ હજીરા મુદ્રા પોર્ટ પર તપાસ કરતાં આ પ્રકારે કોઈ ગાડીઓ ભાડે મૂકવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યું હતું, જેથી રિદ્ધિ સંજયના ઘરે તા. 02/06/2021ના રોજ તપાસ કરવા ગઈ હતી, જ્યાં તેની પત્ની અંજના તેમજ દીકરા દેવેને કહેલું કે સંજય મુંબઈ જતો રહ્યો છે અને ગાડીઓ વિશે કાંઈ ખબર નથી. આખરે રિદ્ધિને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. તેની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ઉપરોક્ત ચાર ગાડીની કિંમત રૂ. 26.50 લાખ આંકીને સંજય પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...